ગુજરાત
News of Wednesday, 30th May 2018

સુરતના પાંડેસરામાં કોલેજના ગેટ પાસેથી યુવકની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા અરેરાટી

સુરતઃ પાંડેસરા વિસ્તારમાં આવેલી મહાવીર કોલેજના ગેટ પાસેથી એક યુવકની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી. રોડ સાઈડમાં પડેલી લાશ અંગે સ્થાનિક લોકોએ પાંડેસાર પોલીસમાં જાણકારી આપતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી.

પાંડેસરા વિસ્તારમાં આવેલા પ્રમુખ પાર્ક પાસે અને મહાવીર કોલેજના ગેટ પાસે શ્રમિક જેવા દેખાતા અજાણ્યા યુવકની લાશ મળી આવી હતી. રોડ સાઈડમાંથી મળી આવેલા યુવકની મૃતદેહમાં નીચેના ભાગે કાળું પેન્ટ અને ઉપર બ્લૂ સફેદ પટાવાળું ટી શર્ટ છે. સાથે વિચિત્ર કહી શકાય તે રીતે યુવકની લાશ નજીકથી એક મહિલાનું અને એક પુરૂષના પગનું ચપ્પલ પડ્યું છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી પંચનામું શરૂ કર્યું છે. અને પીએમ માટેની તજવીજ હાથ ધરી છે. યુવકનું મોત હત્યા કે આત્મહત્યા તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે પોલીસ હજુ એક લાશનો ભેદ ઉકેલે ત્યાં બીજી એમ રોજે રોજ લાશ મળી આવતાં પોલીસ કામગીરી પર પણ લોકો સવાલો ઉઠાવી રહ્યાં છે.

(6:18 pm IST)