ગુજરાત
News of Wednesday, 30th May 2018

ચીખલી પોલીસે બપોરના સમયે દારૂ ભરેલ ટ્રકનો પીછો કરતા ચાલક ડિવાઈડર સાથેની ગટર પર ચઢી ગયો

ચીખલી: પોલીસે સોમવારે બપોરના સમયે દારૃ   ભરેલી ટ્રકનો પીછો કરતા  ચાલક ચાલુ ટ્રકે જ કુદી પડતા ટ્રક ડિવાઇડર સાથેની ગટર ઉપર ચઢી ગઇ હતી. ચીખલી પોલીસે ટ્રકમાંથી ૬.૯૦ લાખનો દારૃ કબ્જે કરી ભાગી રહેલા ચાલકને ઝડપી લીધો હતો. જ્યારે દારૃ ભરાવનાર શખ્સને વોન્ટેડ જાહેર કર્યો છે. ચીખલી પોલીસને બાતમી મળી  હતી કે, દમણથી દારૃ ભરેલીને નીકળેલી ટ્રક (નં. જીજે-૧૫-યુયુ- ૪૫૪)નો પીછો ડુંગરી પોલીસ કરી રહી છે. જેના આધારે  ચીખલી પોલીસે બે અલગ-અલગ વાહનોમાં નાકાબંધી કરતા દારૃ ભરેલી ટ્રક ઘેજ- તલાવચોરા માર્ગ ઉપરથી ચીખલી તરફ આવતી જણાતા  ચીખલી  પોલીસની એક ટીમે ખાનગી વાહનમાં ચીખલીના જુના વલસાડ રોડ ખાતે સરકારી વસાહત પાસે નાકાબંધી કરી હતી.દરમ્યાન દાર ભરેલી ટ્રક પૂરઝડપે આવતા પોલીસે વાહનમાં જ ટ્રકને આંતરવાનો પ્રયાસ કરતા ચાલકે પોલીસના ખાનગી વાહન ઉપર ટ્રક ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો. ચીખલી પોલીસે સતત ટ્રકનો પીછો કરતા રણછોડજી મંદિર પાસેથી ટ્રકના ચાલકે હાઇ-વે તરફ ટ્રક ભગાવ્યા  બાદ ચાલુ ટ્રકે જ કુદી પડતા ટ્રક ડિવાઇડર  અને  ગટર ઉપર ચઢી ગઇ હતી. પોલીસે ટ્રકની તલાસી લેતાં ટ્રકમાં વિવિધ  બોક્ષમાં ભરેલી દારૃ-બીયરની નાની-મોટી ૧૦,૩૮૦ બોટલો કિંમત રૃ. ૬,૯૦,૦૦૦ અને   રૃપિયા  ૮ લાખની ટ્રક મળી કુલ ૧૪.૯૦ લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો અને ભાગી રહેલા ટ્રકના ચાલક જીતેન્દ્ર શીવપ્રસાદ યાદવ (રહે. એફ-૪ ક્રિષ્ના  કોમ્પલેક્ષ પાછળ, જીઆઇડીસી  ગુંદલાવ)ની અટક કરી છે. જ્યારે દારૃનો જથ્થો ભરાવનાર શુકલાજી (રહે. ડાભેલ દમણ)ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
 

(6:18 pm IST)