ગુજરાત
News of Wednesday, 30th May 2018

પલસાણા તાલુકાના ચલથાણામાં પ્રવેશદ્વાર પર પાણી ભરાવવાની સમસ્યાથી લોકોને હાલાકી

પલસાણા:તાલુકાના ચલથાણ ગામની સીમમાં ને.હા.નં. ૪૮ના   નવિનીકરણની કામગીરીમાં હાઇવે ઓથોરીટી દ્વારા રોડ પહોળો  કરવા કરેલા માટી પુરાણથી વરસાદી ગટરલાઇન પુરાઇ જતાં ચલથાણ અને કડોદરા નગરના પાણી ચલથાણ ગામમાં પ્રવેશતા સર્વિસ રોડ  ભરઉનાળે ભરાયેલા રહે છે ત્યારે  ચોમાસામાં સ્થિતિ વધુ ખરાબ થશે.

અમદાવાદથી મુંબઇ જતા ને.હા.નં. ૪૮ પર પલસાણા તાલુકાના  કરણથી કામરેજ ચાર રસ્તા ઓવરબ્રીજ સુધીના હાઇવે રોડ પર હાલમાં નવિનીકરણની કામગીરી ચાલી રહી છે. રોડ પહોળો કરવાની કામગીરીમાં માટી પુરાણ કરીને કામગીરી ચાલી રહી છે. જેમાં ચલથાણ ગામે સંજીવની હોસ્પિટલની સામે ચલથાણ ગામમાં પ્રવેશ કરવાના સર્વિસ રોડ પર ઘણા સમયથી ગટરના પાણી ભરાઇ રહે છે.

રોડ પર સતત  તૂટી જઇ ઘુંટણ સમા ખાડા પડે છે. અગાઉ ફરિયાદ થતાં હાઇવે ઓથોરીટી દ્વારા રોડ પર કાર્પેટીંગ કર્યું હતું પરંતુ ગટર લાઇન અને વરસાદી પાણીના નિકાલની પાઇપલાઇન પર માટી પુરાણ થતાં કાયમી સમસ્યા ઉભી થઇ છે. મળતી માહિતી મુજબ હાઇવે ઓથોરીટીના અધિકારીઓએ કામગીરી શરૃ કરાવી ત્યારે ચલથાણ ગામના આગેવાન મહેન્દ્રભાઇ દેસાઇ અને કડોદરા નગરપાલિકા પ્રમુખ અંકુર દેસાઇએ અધિકારીઓને સ્થળ પર ઉભા રહી માટી પુરાણથી ગટરલાઇન બંધ થતાં કાયમી સમસ્યા થઇ છે જેનો  ઉકેલ કરવા રજૂઆત કરી હતી છતાં હાઇવે ઓથોરીટી દ્વારા ગટર લાઇનનું કામ નહીં કરતા ચલથાણ ગામમાં પ્રવેશના સર્વિસ રોડ પર કાયમી ગટરીયા પાણી ભરાઇ રહે છે.હાલમાં ઉનાળામાં રોડ પર સતત પાણી ભરાઇ રહે છે ત્યારે ચોમાસામાં હાઇવે બંધ થાય તેવી સ્થિતિ બની શકે તેમ છે.

(6:17 pm IST)