ગુજરાત
News of Wednesday, 30th May 2018

બેંકની હડતાળથી ૧૦ હજાર કરોડનું કલીયરીંગ કામ ઠપ્પ

વિવિધ બેંકોના કર્મચારીઓએ વિરોધ રેલી યોજી : રાજયના ૬૦ હજારથી વધુ કર્મચારીઓ સહિત દેશભરમાં દસ લાખથી વધુ કર્મચારીઓ-અધિકારીઓ હડતાળ ઉપર

અમદાવાદ,તા. ૩૦ : બેન્કના કર્મચારીઓની પગાર વધારાની માગણીને લઇને આજથી શરૂ થઇ રહેલી બે દિવસની હડતાળના પગલે આજે મોટા ભાગે બેન્કોનું કામકાજ તદ્દન ઠપ થઇ ગયું હતું. જેના પગલે રાજયભરમાં એક અંદાજ મુજબ ૧૦ હજાર કરોડથી વધુનું કલિયરીંગ ઠપ્પ થઇ ગયુ હતું. બીજીબાજુ બેંકોની હડતાળને પગલે સામાન્ય માણસ ભારે હાલાકીમાં મૂકાયો હતો. તો, મોટા વેપારીઓ અને ધંધા રોજગારવાળાના મહત્વના અને અરજન્ટ ટ્રાન્ઝેકશન અટવાઇ પડયા હતા.  ગુજરાત રાજયમાં આજની હડતાળમાં ૬૦ હજારથી વધુ કર્મચારીઓ અને અધિકારીઓ જોડાયા હતા. જયારે દેશભરમાં દસ લાખથી વધુ કર્મચારીઓ-અધિકારીઓ જોડાયા હતા. અમદાવાદ શહેરમાં આજે સવારે વિવિધ બેંકોના કર્મચારીઓએ કેન્દ્ર સરકારની નીતિની વિરુદ્ધમાં નહેરુબ્રિજ ઇન્દુચાચા ગાર્ડન પાસેથી આશ્રમરોડ વલ્લભસદન સુધી રેલી કાઢી હતી. જેમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ, અધિકારીઓ જોડાયા હતા. સરકારની બેન્કિંગ નીતિની સામે અધિકારીઓએ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. રેલીમાં કર્મચારીઓએ સફેદ ડ્રેસ પહેરી વિરોધ નોંધાવ્યો હતો. બેન્ક એસોસીએેશનના અગ્રણીઓના જણાવ્યા પ્રમાણે તા.૧ નવેમ્બર, ર૦૧૭થી મળવા પાત્ર પગારનો વધારો અપાતો નથી. બેન્ક એસોસીએશને તેમની માગણી પૂરી કરવા બેન્ક સંચાલકોને અનેક વખત રજૂઆતો કરી હતી. પરંતુ તાજેતરમાં બહાર આવેલાં કૌભાંડોના પગલે નબળી બેલેન્સશીટના પગલે સંચાલકોએ પગાર વધારાની માગણીઓના સંદર્ભે આંખા આડા કાન કર્યા હતા. સંચાલકો માત્ર બે ટકા પગાર વધારો આપવાની વાત કરે છે તો બીજી બાજુ બેન્ક કર્મચારીઓ ૧પટકાથી વધુનો પગાર વધારો માગી રહ્યા છે. આ અંગે મહાગુજરાત બેન્ક એમ્પ્લોય એસોસીએેશનના જનરલ સેક્રેટરી જનક રાવલના જણાવ્યા પ્રમાણે પગાર વધારાની માગને લઇને આજથી શરૂ થતી બે દિવસની હડતાળના પગલે પ્રથમ દિવસે બેન્કો સજ્જડ બંધ રહી હતી તથા ૧૦ હજારથી વધુ કરોડનું ક્લિયરિંગ ઠપ્પ થઇ ગયું હતું. તો, બીજીબાજુ, લાખો-કરોડો રૂપિયાના ટ્રાન્ઝેકશન અટવાઇ પડયા હતા.

(7:26 pm IST)