ગુજરાત
News of Wednesday, 30th May 2018

પાટીદાર આંદોલન અને પોલીસ દમન : ફરી ચૂંટણીનો મુદ્દો

ટીમ હાર્દિકની સક્રીયતા અને કોંગ્રેસનું સમર્થન સૂચક : લોકસભાની ચૂંટણીમાં ભાજપ માટે પડકાર

રાજકોટ, તા. ૩૦ : ગુજરાતમાં ઓગષ્ટ ર૦૧પમાં શરૂ થયેલ પાટીદાર અનામત આંદોલન ધારાસભાની ચૂંટણી પછીના વિરામ બાદ ફરી ગતિ પકડી રહ્યું છે. પાટીદાર પંચાયતના આયોજનથી પાટીદાર નેતાઓ ફરી મેદાનમાં આવી ગયા છે. અનામત આપવાની માંગણી ચાલુ રાખી છે. પોલીસ દમનની તપાસ અને જવાબદાર પોલીસ અધિકારીઓ સામે પગલા લેવાની માંગણી પર પાટીદાર નેતાઓએ ભાર મૂકયો છે. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પાટીદાર યુવા નેતાઓની સક્રીયતા અને કોંગ્રેસ દ્વારા તેને ખૂલ્લુ સમર્થન સૂચક ગણાય છે. ધારાસભાની જેમ લોકસભાની ચૂંટણીમાં પણ પાટીદાર આંદોલન અને પોલીસ દમન મહત્વનો મુદ્દો બને તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે.

આંદોલન વખતે પાટીદારો પર થયેલા કેસ અને પાટીદારોના ઘરમાં જઇ પોલીસે કરેલ અમર્યાદીત બળપ્રયોગનો મુદ્દો અત્યારે અગ્રક્રમે આવી ગયો છે. સરકારે તપાસ પંચ મૂકી દીધું છે. પોણા ત્રણ વર્ષ વીતવા છતાં કોઇ સામે કેમ પગલા ન લેવાયા ? તેવો સવાલ પાટીદારો ઉઠાવી રહ્યા છે. કોંગ્રેસે પાટીદાર સહિતના પ્રશ્નોની ચર્ચા માટે ખાસ વિધાનસભા સત્ર બોલાવવાની માંગણી કરી છે. ચૂંટણી નજીક આવી રહી છે તેવા સમયે જ પાટીદાર આંદોલનનો મુદ્દો ફરી ધગી રહ્યો છે. ભાજપ-કોંગ્રેસના જવાબદાર અગ્રણીઓએ સામસામે આક્ષેપો શરૂ કરી દીધા છે.

કોંગ્રેસને પાટીદારોના મુદ્દે જેટલો ફાયદો મળે એટલો મેળવવામાં રસ છે, પરંતુ પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારો અને મોંઘવારીનો મુદ્દો પ્રજા ભૂલી ન જાય તેની પણ કાળજી રાખવા કોંગ્રેસ પ્રયત્નશીલ છે.

(11:51 am IST)