ગુજરાત
News of Wednesday, 30th May 2018

8મી જૂને અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી : પ્રમુખ બનવા મહિલાઓમાં જામશે રસાકસી

અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને મહિલા માટે અમાનત બેઠક

અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ-ઉપ પ્રમુખની ચૂંટણી આગામી 8 મી જૂનના રોજ યોજાશે.ચૂંટણી અધિકારી દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. પાલિકાના સભાખંડમાં બોર્ડનાં વિજેતા 36 સભ્યો દ્વારા મતદાન કરી નવા પ્રમુખની વરણી કરવામાં આવશે.આ વખતે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને મહિલા માટે અમાનત બેઠક છે. પ્રમુખ બનવાની હોડમાં મહિલા સભ્યો વચ્ચે કટ્ટર હરીફાઈ શરૂ થઈ છે.

  અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ ઉપ પ્રમુખની અઢી વર્ષની મુદ્દત પુર્ણ થતાં આગામી અઢી વર્ષ માટે નવા પ્રમુખની ચૂંટણી સંદર્ભે આખરે ચૂંટણી અધિકારી આર.કે.ભગોરાએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. ચૂંટણીમાં મહિલાની સામાન્ય બેઠક હોવાથી તેમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને મહિલા સભ્યો ઉમેદવારી કરી શકશે

  પાલિકાના સત્તાપક્ષે ચૂંટાયેલ મહિલા સભ્યોમાં પ્રમુખની દાવેદારીને લઇને ભારે રસાકસી જોવા મળી રહી છે. જેમાં વર્તમાન પ્રમુખ મીનાબેન પટેલ, દક્ષાબેન શાહ, દક્ષાબેન સુરતી, કલ્પનાબેન મેરાઈ, શિલ્પાબેન સુરતી, દક્ષાબેન વસાવા, ડાહીબેન રાણા તેમજ પૂર્વ પ્રમુખ ચંપાબેન વસાવા, પ્રમુખ માટેની દાવેદારી કરી શકે તેમ છે.

(8:50 am IST)