ગુજરાત
News of Wednesday, 30th May 2018

વિધાનસભાનું એક દિવસનું ખાસ સત્ર બોલાવવા કોંગ્રેસની માંગણી

પાટીદાર સહિત સમાજોની વેદના, પ્રશ્નો રજૂ કરવાની તૈયારીઃ મોંઘવારી, મહિલા અત્યાચાર જેવી બાબતો ઉપર પોતાની નિષ્ફળતા છુપાવવા ભાજપ મા નામના શબ્દનો ઉપયોગ કરે છે : પરેશ ધાનાણીના સીધા આક્ષેપો

અમદાવાદ,તા. ૨૯ : ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ આજે પત્રકાર પરિષદમાં પ્રેસ તથા મીડિયાના મિત્રોને સંબોધતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ એ એક વિચારધારા છે. રાજ્યમાં આજે લોકશાહીને બચાવવી ખુબ જરૃરી છે. આજે પાટીદાર સમાજ, દલિત સમાજ, બક્ષીબંચ સમાજ, લઘુમતિ સમાજના પ્રશઅનો, ખેડૂતોના પ્રશ્નો, યુવાનોના પ્રશ્નો, કાયદો અને વ્યવસ્થાની કથળતી જતી પરિસ્થિતિના પ્રશ્નો જેવા ગંભીર પ્રશ્નો રાજ્યમાં ઉપસ્થિત થયા છે, ત્યારે આ તમામ મુદ્દે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવા કોંગ્રેસ પક્ષ માંગણી કરશે. ધાનાણીએ પત્રકારો દ્વારા ઉપસ્થિત કરાયેલા પ્રશ્નોનો જવાબ આપતા જણાવ્યું હતું કે, હાર્દિક પટેલ દ્વારા પાટીદાર ન્યાય પંચાયતમાં ઉપસ્થિત રેવા મને નિમંત્રણ મળ્યું હતું પરંતુ પૂર્વનિર્ધારિત કાર્યક્રમોના કારણે ું આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શકેલ નહીં અને ઉપસ્થિત ન રહેવા અંગેની જાણ પણ તેઓને કરેલ હતી. પાટીદાર ન્યાય પંચાયતમાં કોંગ્રેસ પક્ષના અન્ય પાટીદાર ધારાસભ્યોએ અને આગેવાનોને પણ નિમંત્રણ પાઠવવામાં આવેલ અને તેને માન આપીને પાટીદાર ધારાસભ્યોએ અને આગેવાનોએ ઉપસ્થિત રહીને પાટીદાર ન્યાય પંચાયતમાં રજૂ થયેલા વિવિધ મુદ્દાઓ, સમાજના પ્રશ્નો, સમાજની લાગણીઓ અને માંગણીઓ અંગે ચર્ચામાં ભાગ લીધો હતો.

પાટીદાર ન્યાય પંચાયતમાં ભાજપ દ્વારા પાટીદાર સમાજ પર થયેલા દમન અને ૨૨ હજાર જેટલા કેસો પરત ખેંચવા ભાજપ દ્વારા ચૂંટણી પહેલા અપાયેલા વચનો અને ચૂંટણી બાદ ભુલાઈ ગયેલ તે વચન અંગે વિસ્તૃત ચર્ચા થઇ હતી અને કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો અને આગેવાનોએ તેમાં ભાગ પણ લીધો હતો. કોંગ્રેસપક્ષની જેમ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીસહિત અન્ય ધારાસભ્યોને પણ આમંત્રણ અપાયા હતા પરંતુ તેઓ શા માટે હાજર રહ્યા નહીં તેનો જવાબ તો તેઓ જ આપી શકશે. મોંઘવારી, મહિલા અત્યાચાર જેવી પોતાની નિષ્ફળતા છુપાવવા ભાજપ સરકાર મા નામના શબ્દને આગળ ધરીને સમગ્ર નારી શક્તિનું અપમાન કરી રહી છે. ભાજપ ચૂંટણીઓ વખતે આપેલા વચનો ચૂંટણી બાદ ભુલી જાય છે તેનો જવાબ પ્રજા આપશે.

(9:41 pm IST)