ગુજરાત
News of Wednesday, 30th May 2018

અભદ્ર ભાષાપ્રયોગ બાબતે કોંગ્રેસ માફી માંગે : જાડેજા

કોંગ્રેસ પાર્ટી હલ્કી રાજનીતિ રમી રહી છેઃ છઠ્ઠીવાર હારેલી કોંગ્રેસના ચૂંટણી નજીક આવી છે ત્યારે મળતિયાઓને ફરીથી સક્રિય કરી મહાપંચાયતોના નાટક

અમદાવાદ,તા. ૨૯: ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ આઈકે જાડેજાએ જણાવ્યું હતું કે, ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીના માતૃશ્રી માટે કોંગ્રેસના ધારાસભ્ય વિરજીભાઈ ઠુમ્મરે આપેલા નિમ્નકક્ષાના નિવેદન બદલ ગુજરાતની માતૃશક્તિની માફી માંગવાને બદલે કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા તતા વિપક્ષના નેતા પરેશ ધાનાણી તેને છાવરી રહ્યા છે. જાડેજાએ કહ્યું હતું કે, કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા કરાયેલા અભદ્ર ભાષાપ્રયોગ બાબતે જાહેરમાં માફી માંગવાને બદલે કોંગ્રેસ તેને બચાવીને હલકી રાજનીતિ અપનાવી રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં સતત છઠ્ઠી વખત હારેલી કોંગ્રેસ હવે જ્યારે લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે ફરીથી પોતાના મળતિયાઓને સક્રિય બનાવી મહાપંચાયતોના નાટક કરી રહી છે. જાડેજાએ કહ્યું હતું કે, અનામતની લોલીપોપ કે લોકપ્રપંચ દ્વારા કોંગ્રેસ હવે ફાવી શકવાની નથી, કોંગ્રેસે ગુજરાતની જનતા સમક્ષ ખુલાસો કરવો જોઇએ કે અનાતમ બાબતે તે શું કરવા માંગે છે. સમગ્ર ગુજરાતની નારીશક્તિનો પ્રચંડ રોષ જોઇને કોંગ્રેસ હવે બેબાકળી બની, પ્રજાને ગેરમાર્ગે દોરવા માટે જુઠ્ઠાણાઓ ફેલાવી રહી છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી દ્વારા પાટીદાર સમાજ કે અન્ય કોઇ સમાજ માટે ક્યારે ઘસાતું બોલવામાં આવ્યું નથી અને તમારી પાસે જો કોઇ પુરાવા હોય તો જનતા સમક્ષ જાહેર કરો પરંતુ તમારા ધારાસભ્યને છારવા માટે આ પ્રકારના ખોટા આક્ષેપો બંધ કરો. નારી સન્માનની જાળવણી એ ભાજપના સંસ્કારો છે. નારી સશક્તિકરણ અને નારી ગૌૈરવને ઉજાગર કરવા માટે ભાજપની સરકારો દ્વારા અનેક નિર્ણયો લેવામાં આવ્યા છે.

(9:43 pm IST)