ગુજરાત
News of Wednesday, 30th May 2018

ટ્રાફિક બ્રિગેડ-હોમગાર્ડ જવાન ચાલકોને રોકી દંડ વસૂલી ન શકે

ટ્રાફિક શાખાના જેસીપીનો મહત્વનો પરિપત્રઃ ટ્રાફિક જેસીપીના આ પરિપત્રને પગલે ટ્રાફિક વિભાગના જવાનો અને હોમગાર્ડ જવાનોમાં ભારે ફફડાટની લાગણી

અમદાવાદ,તા. ૨૯: શહેરમાં ટ્રાફિકને લઇને ટ્રાફિક શાખાનાં સંયુકત પોલીસ કમિશ્નરે એક ફરમાન બહાર પાડયું છે. શહેરનાં ટ્રાફિક પોઈન્ટ પર ફરજ બજાવતાં ટીઆરબી જવાનો અને હોમગાર્ડ નેમપ્લેટ લગાવતાં નથી અને સ્વચ્છ કપડાંઓ પણ પહેરતાં નથી તેમજ વાહનચાલકોને રોકીને દંડ વસૂલતા હોય છે. તેથી ટ્રાફિક શાખાના અને હોમગાર્ડના આ જવાનોને વાહનચાલકોને રોકી તેમની પાસેથી દસ્તાવેજો ચેક નહી કરવા તેમ જ સ્થળ પર દંડ નહી વસૂલવા ટ્રાફિક શાખાના સંયુકત પોલીસ કમિશ્નર દ્વારા કડક ફરમાન જારી કર્યું છે. ટ્રાફિક જેસીપીના આ પરિપત્રને પગલે ટ્રાફિક વિભાગના જવાનો અને હોમગાર્ડ જવાનોમાં ફફડાટની લાગણી ફેલાઇ ગઇ છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ખાસ કરીને ચાર રસ્તાઓ અને તેની આસપાસમાં ટ્રાફિક વિભાગના જવાનો અને હોમગાર્ડ જવાનો યુનિફોર્મ પર નેમપ્લેટ લગાવ્યા વિના જ પોતાની ફરજ બજાવી રહ્યા હોવાની તેમ જ સ્થળ પર જ વાહનચાલકોને રોકી તેમની પાસેથી લાયસન્સ સહિતના દસ્તાવેજો વગેરે ચેક કરી દંડ વસૂલ કરી રહ્યા હોવાની બાબત ટ્રાફિક શાખાનાં સંયુક્ત પોલીસ કમિશ્નરના ધ્યાન પર આવી હતી. જેથી ટ્રાફિક શાખાના જેસીપીએ આ સમગ્ર બાબતને ખૂબ જ ગંભીરતાથી લીધી હતી. કારણ કે, સરકાર દ્વારા અમદાવાદ શહેરમાં પહેલેથી જ ઇ-મેમોની સીસ્ટમ અમલી બનાવેલી છે ત્યારે ઉપરોકત બાબતો નવી જોગવાઇઓથી વિપરીત અને તેના ઁભંગ સમાન હોઇ જેસીપીએ તાકીદે મહત્વનો પરિપત્ર જારી અગત્યનું ફરમાન બહાર પાડયું હતું. જે મુજબ, ટ્રાફિક શાખાના ટીઆરબી જવાનો અને હોમગાર્ડે ફરજ પર હાજર હોય ત્યારે સ્વચ્છ યુનિફોર્મ પહેરવાનો રહેશે અને યુનિફોર્મ પર નેમપ્લેટ ફરજીયાત લગાવવી પડશે. આ ઉપરાંત વાહનચાલકોને રોકીને તેમનાં દસ્તાવેજ પણ ચેક કરી શકશે નહી અને સ્થળ પર  દંડ પણ વસૂલ કરી શકશે નહી. એટલું જ નહી, ટ્રાફિક શાખાના ટીઆરબી જવાનો કે હોમગાર્ડ જવાનો વાહનચાલકોને કોઇપણ રીતે મેમો આપી શકશે નહી. હોમગાર્ડ અને ટીઆરબી જવાનોએશહેરના માર્ગો પર માત્ર ને માત્ર ટ્રાફિક નિયમનની કામગીરી જ કરવાની રહેશે. જો પરિપત્રનો ભંગ કરવામાં આવશે તો કસૂરવાર હોમગાર્ડ કે ટીઆરબીજવાન વિરૃધ્ધ કાયદેસર કાર્યવાહી કરવાની ચીમકી પણ જેસીપી દ્વારા પરિપત્રમાં ઉચ્ચારવામાં આવી છે. ટ્રાફિક શાખાના જેસીપીના આ પરિપત્રને પગલે ટ્રાફિક વિભાગના જવાનો અને હોમગાર્ડ જવાનોમાં ફફડાટની લાગણી ફેલાઇ ગઇ છે કારણ કે, તેમના ગેરકાયદે હપ્તાઓ અને લાંચના ધમધમતા ગોરખધંધા પર તવાઇ આવી ગઇ છે.

(8:49 am IST)