ગુજરાત
News of Wednesday, 30th May 2018

ઘોડાસર ખાતેનું તળાવ સુકાતા માછલી તરફડીને મરી રહી છે

ટ્રેકટરો ભરીને માછલીઓનો નિકાલ કરાયોઃ હજારો માછલી મરી જતાં સમગ્ર વિસ્તારમાં દુર્ગંધની લહેર પથરાઇ ગઇ : રહીશોની ફરિયાદ બાદ સક્રિય બનેલ તંત્ર

અમદાવાદ, તા.૨૯: ગુજરાત સહિત દેશભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે આવામાં ગરમીના કારણે લોકોના આરોગ્ય પર ગંભીર અસરો પડવાની સાથે સાથે સામાન્ય જનજીવન પર પણ તેની અસરો થઇ રહી હોવાની વિગતો સામે આવી રહી છે ત્યારે ગરમીના કારણે નુકસાનીની રોજ નવી વાતો સામે આવી રહી છે. શહેરમાં અતિશય ગરમીના કારણે ભીમજીપુરા વિસ્તાર સહિતના કેટલાક વિસ્તારોમાં ડામરનો રસ્તો ઓગળવાની ઘટનાઓ સામે આવ્યા પછી હવે તળાવ સુકાવાની અને તેના કારણે જળચર જીવોની મોટી જાનહાનિ ચોંકાવનારી ઘટનાઓ પ્રકાશમાં આવી છે. શહેરના ઘોડાસર વિસ્તારમાં આવેલા વિશાળ તળાવના પાણી સૂકાઈ જવાના કારણે હજારો માછલીઓ મરી ગઇ છે, તંત્ર દ્વારા ટ્રેકટરો ભરી ભરીનેહજારો માછલીઓનો નિકાલ કરવાની કાર્યવાહી હાથ ધરાઇ હતી. બીજીબાજુ, ઘોડાસર તળાવમાં ગરમીના કારણે પાણી સૂકાઇ જતાં હજારો માછલીઓ મરી જવાના કારણે સમગ્ર વિસ્તારમાં દુર્ગંધની લહેર છવાઇ ગઇ હતી, જેને લઇ સ્થાનિક રહીશોથી માંડી આ રસ્તા પરથી પસાર થતાં રાહદારીઓ અને વાહનચાલકો પણ દુર્ગંધથી ત્રસ્ત બન્યા હતા. જો કે, સ્થાનિક સત્તાવાળાઓએ હજારો માછલીઓ મરી ગઇ હોવાની વાત ધ્યાન પર આવતાં તાત્કાલિક તેના નિકાલની કામગીરી હાથ ધરી હતી અને ટ્રેકટરો ભરી ભરીને તળાવમાંથી મરેલી માછલીઓ બહાર કાઢી તેનો નિકાલ કરાયો હતો. રહી છે. માછલીઓ મરી રહી હોવાના કારણે દુર્ગંધ ફેલાઈ રહી છે.  સતત બે અઠવાડિયાથી ગરમીનો પારો ઊંચો રહેવાના કારણે માણસોની સાથે પશુ-પછીઓને પણ ભારે મુશ્કેલી થઈ રહી છે. શહેરના ઘોડાસર વિસ્તારમાં આવેલા તળાવમાં ગરમીના કારણે પાણી સૂકાતાં હજારોની સંખ્યામાં માછલીઓ મરી જતાં સમગ્ર વિસ્તારમાં સ્થાનિકોમાં ભારે અરેરાટીની લાગણી પણ ફેલાઇ હતી કે, નિર્દોષ માછલીઓ પાણી વિના બચી ના શકી. તો શહેરના પ્રકૃતિપ્રેમીઓએ પણ હજારોની સંખ્યામાં માછલીઓ મરી જવાની ઘટનાને લઇ ભારે દુઃખ વ્યકત કર્યું હતું અને જણાવ્યું હતું કે, ખરેખર તો, આમાં અમ્યુકો તંત્ર અને સ્થાનિક સત્તાવાળાઓનો વાંક છે, જો ઉનાળાની ગરમીમાં તળાવોમાં પાણી બિલકુલ સૂકાઇ જાય એટલી હદની પરિસ્થિતિ આવી જાય ત્યાં સુધી સત્તાવાળાઓ કેમ જાગ્યા નહી અને તળાવમાં થોડું પાણી તો રહે જ તેવી કોઇ આયોજનપૂર્વકની વ્યવસ્થા કેમ કરવામાં આવતી નથી.

(9:55 pm IST)