ગુજરાત
News of Friday, 30th April 2021

કરફ્યુનાં ખોટાં મેસેજ ફોરવર્ડ કરનારાં ખેરગામના અંકુર શુક્લ સામે ખેરગામ પોલીસમાં રાવ: પત્રકારને ધમકી આપનાર સામે કાર્યવાહી કરવા માગ પત્રકારોમાં રોષ પોલીસ તંત્ર કાર્યવાહી કરે તેવી માંગ

મેસેજ ફોરવર્ડ કર્યા બાદ એનું ધ્યાન દોરનારા ખેરગામના પત્રકારને સ્થાનિક યુવકે ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. પત્રકારના ઘરે પહોંચી જઈ ધમકી આપનારા યુવાન સામે કાર્યવાહી કરવા માંગ

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ : નવસારી જિલ્લામાં કરફયૂ અંગેનો ખોટો મેસેજ ફોરવર્ડ કર્યા બાદ એનું ધ્યાન દોરનારા ખેરગામના પત્રકારને સ્થાનિક યુવકે ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. પત્રકારના ઘરે પહોંચી જઈ ધમકી આપનારા યુવાન સામે કાર્યવાહી કરવા માંગ કરાઇ છે.
ખેરગામ પોલીસ મથકે અપાયેલી ફરિયાદ અરજીમાં જણાવ્યા મુજબ ખેરગામ બજારમાં રહેતા વિનોદભાઈ મિસ્ત્રી પત્રકાર તરીકે સેવા આપે છે. તા.28.04.21 ના રોજ રાજ્ય સરકારે ગુજરાતનાં 29 શહેરોમાં કરફ્યુ લગાવવાનો આદેશ જારી કરતા વોટ્સઅપ ઉપર ચાલતા “ભાજપ ગ્રુપ ખેરગામ તાલુકા”  ગ્રુપમાં ખેરગામના અંકુર હર્ષદરાય શુક્લએ નવસારી શહેરને બદલે સમગ્ર નવસારી જિલ્લામાં કરફ્યુ લાગ્યોનો ખોટો મેસેજ ગ્રુપમાં ફોરવર્ડ કર્યો હતો. જેમાં વિનોદભાઈએ એક જાગૃત નાગરિક તરીકે અંકુરને ગ્રુપમાં મેસેજ કરી ફક્ત નવસારી શહેરમાં કરફ્યુ છે. સમગ્ર જિલ્લામાં નથી એવો મેસેજમાં રીપ્લાય કરતા સામાવાળા રોષે ભરાયા હતા. અને વિનોદભાઈ ઉપર અપમાનજનક શબ્દોનો પ્રયોગ કર્યો હતો. ખોટાં સમાચારો વાયરલ કર્યા બાદ અમે એમનું ધ્યાન દોરતાં અંકુર શુક્લ વિનોદભાઇ ઘરે પહોંચી ગયા હતા. અમો ઘરે ન હોઈ વિનોદભાઈના પત્નીને વિનોદ ક્યાં છે એને જાનથી મારી નાખીશ એમ કહી ધમકી આપી હતી. સાયબર ક્રાઇમનો ગૂનો કરનારા અંકુર સામે કાયદેસરની કાર્યવાહી કરવા ખેરગામ પોલીસ મથકે અરજી આપવામાં આવી હતી. આ યુવાન ઘણા પોલીસ અધિકારીઓ અને જિલ્લા કલેકટર, ટોચના રાજકારણીઓ સાથે સોશિયલ મીડિયા પર છવાયેલો રહેવાનો ભારે શોખ ધરાવતો હોવાની વ્યાપક ચર્ચા છે

(8:29 pm IST)