ગુજરાત
News of Friday, 30th April 2021

અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકામાં ૨૪ કલાકમાં ૯ લોકોના કોરોનાથી મોતઃ હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ મૃત્યુનું પ્રમાણ વધ્યુઃ ઇન્જેકશન-દવાની અછત

અરવલ્લી: કોરોના ગુજરાતના તાલુકાઓથી લઈને નાના નાના ગામડાઓમાં ઘૂસીને કહેર વરસાવી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારનો પરિસ્થિતિ વધુ વિકટ બની છે. નાના નાના તાલુકાઓમાં હવે કોરોનાના કેસની સાથે મોતનો આંકડો પણ વધી રહ્યો છે. ત્યારે અરવલ્લીના ભિલોડા તાલુકામાં 24 કલાકમાં 9 લોકોના કોરોનાથી મોત થયા છે. ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનો કહેર વરસી રહ્યો છે. ત્યારે હવે કહી શકાય કે, ગુજરાતના ગામડાઓમાં કોરોના સંક્રમણ વધતા મૃત્યુદર વધ્યો છે.

અરવલ્લી જિલ્લામાં રેમડેસિવિર ઈન્જેક્શનની ભારે અછત વર્તાઈ રહી છે. પરંતુ હવે ફેબીફ્લૂ નામની દવાની પણ અછત સર્જાઈ છે. અરવલ્લીના મેડિકલ સ્ટોર્સમાં ફેબીફ્લૂ દવાનો જથ્થો ખૂટયો છે. ત્રણ દિવસથી માર્કેટમાં ફેબીફ્લૂ દવાની અછત સર્જાઈ છે. તો બીજી તરફ, મેડિકલ સ્ટોરમાં ફેબીફ્લૂ માટે લોકોની માંગ વધી રહી છે. હોમ આઇસોલેટ દર્દીઓ ફેબીફ્લૂની ખરીદી કરી રહ્યા છે. જેથી જરૂરિયાતમંદ દર્દી સુધી તે પહોંચી નથી રહી.

અરવલ્લી જિલ્લામાં ઓક્સિજનની અછત દૂર કરવા બે ઓક્સિજન પ્લાન્ટ ઉભા કરાશે તેવી તાજેતરમાં જ જાહેરાત કરાઈ હતી. મોડાસા અને ભિલોડા ખાતે પ્લાન્ટ મંજૂર કરવા મહોર લાગી છે. પ્રભારી મંત્રી, કલેક્ટર અને આયોજન અધિકારીની બેઠકમાં ત્વરિત નિર્ણય લેવાયો હતો અને જિલ્લામાં ઓક્સિજનને અછત નિવારવા તંત્રની કવાયત હાથ ધરાઈ છે.

આ ઉપરાંત અરવલ્લી જિલ્લામાં કોરોના ટેસ્ટિંગ કીટ પણ ખૂટી પડી હોવાનું સામે આવ્યું હતું. મોડાસા, ભિલોડા સહિતના કેન્દ્રો પર સ્થિતિ કફોડી બની હતી. કોરોના ટેસ્ટિંગ કરાવવા ગયેલ લોકોની લાચારી સામે આવી હતી. ભિલોડાના RT-PCR અને રેપિડ ટેસ્ટ કીટનો જથ્થો પૂરો થઈ ગયો હતો. તેથી પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્ર પર ટેસ્ટ કરાવવા લોકોનો જમાવડો થયો હતો. દરરોજ હજાર ઉપરાંત લોકોનો અહીં કોરોના ટેસ્ટ થાય છે.

(4:28 pm IST)