ગુજરાત
News of Friday, 30th April 2021

ધન્વતરી કોવીડ હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરવાની પ્રક્રિયા વધુ સરળ બનાવાઇ : ટોકન સાથે સીધા આવનાર દર્દીઓને પણ એન્ટ્રી

દર્દીઓની સેવા તથા અન્ય કામગીરી માટે ફર્સ્ટ રીસ્પોન્સ ટીમો પણ કાર્યરત

રાજકોટ તા. ૩૦ :  ગુજરાત સરકાર અને ડિફેન્સ રિસર્ચ  એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)ના સંયુકત ઉપક્રમ ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટર ખાતે કાર્યરત કરવામાં આવેલી ધન્વંતરી કોવીડ હોસ્પિટલમાં  દર્દીઓની ઉત્ત્।મ સુવિધાઓ સાથે સર્વોત્તમ સારવાર થઈ રહી છે.  

દર્દીઓને શ્રેષ્ઠ સારવાર આપવા માટે અને દર્દીઓની હાલાકી દુર કરવા માટે ધન્વન્તરી કોવીડ હોસ્પિટલમાં કોવીડગ્રસ્ત દર્દીઓના પ્રવેશ માટે ટોકન સિસ્ટમનો આરંભ કરવામાં આવ્યો છે, તેની સાથે સાથે ક્રિટીકલ દર્દીઓને પણ સીધા જ દાખલ કરવામાં આવે છે. આ માટે અલગ વ્યવસ્થા કરીને દર્દીઓને સીધા જ દાખલ કરવામાં આવે છે.

આ પ્રકારની સુદઢ વ્યવસ્થાને પગલે ક્રિટીકલ અને જરૂરિયાતમંદ દર્દીઓને કોઈપણ પ્રકારના વિલંબ વગર દાખલ કરવામાં આવી રહ્યા છે.   નોંધપાત્ર બાબત એ છે કે ટોકન ફાળવવામાં આવ્યા હોય તે ઉપરાંત ૧૦૮ અને ગંભીર સ્થિતિ ધરાવતા દર્દીઓને પણ પ્રવેશ આપવામાં આવે છે.

 આમ, દર્દીઓની વ્યથા દુર થઈ છે અને વ્યવસ્થા ઉભી થઈ છે. સાથે સાથે હોસ્પિટલમાં સત્વરે ફર્સ્ટ રિસ્પોન્સ ટીમો પણ કાર્યરત કરી દેવાઈ છે જેથી દર્દીઓને સારવારમાં કોઈપણ પ્રકારનો વિલંબ ન થાય.  ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીશ્રીઓ દ્વારા આ નવી વ્યવસ્થાનું સતત નિરિક્ષણ અને મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે.  આ ઉપરાંત ધન્વતરી કોવીડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહેલા દર્દીઓને ઉત્ત્।મ પ્રકારની આરોગ્યસેવા મળી રહે તે માટે તબક્કાવાર માનવબળનો ઉમેરો કરવામાં આવી રહ્યો છે.  જેના પગલે આરોગ્ય સેવા વધુ સુદ્રઢ બનશે. દર્દીઓને સહેજ પણ અગવડ ન પડે તે માટેની તકેદારી રાખવામાં આવી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ હોસ્પિટલમાં હાઉસ કિપિંગ સ્ટાફ, વોર્ડબોયની નિમણૂંક કરવામાં આવી છે. આ સ્ટાફ ૨૪*૭ દર્દીઓની સેવા માટે કાર્યરત રહેશે.

આમ, કોવીડ ધન્વતરી હોસ્પિટલમાં આયોજનબદ્ઘ રીતે કામગીરી ચાલી રહી છે, જેનો લાભ અંતે સામાન્ય નાગરિકોને થઈ રહ્યો છે.

(2:58 pm IST)