ગુજરાત
News of Monday, 30th March 2020

લોકડાઉન ન લંબાય તો પણ ગુજરાતમાં પરિસ્થિતિ થાળે પડતા એક દોઢ મહિનો થશે

૨૨ માર્ચે આવેલા છેલ્લા વિદેશ પ્રવાસીઓ બાબતે હજુ ચિંતા : કેસ વધવાની ભીતિ

રાજકોટ, ૩૦ :. ગુજરાતમાં કોરોના વાયરસ સંદર્ભે જનતા કર્ફયુના દિવસ ૨૨ માર્ચથી લોકડાઉન છે. રાજ્યમાં કોરોનાના પોઝીટીવ કેસની સંખ્યા ૬૦ને વળોટી ગઈ છે. હજુ આંકડો વધવાની ભીતિ છે. છેલ્લા વિદેશ પ્રવાસીઓની ફલાઈટ ૨૨ માર્ચે આવેલ. કોરોનાના લક્ષણ સામાન્ય રીતે ૧૦ દિવસ પછી દેખાતા હોય છે. તે જોતા એપ્રિલ પ્રારંભે કોરોનાની સંખ્યા મોટી થઈ જાય તેવી ચિંતા છે. ૧૪ એપ્રિલ પછી લોકડાઉન લંબાઈ કે ન લંબાઈ પરંતુ ગુજરાતમાં પરિસ્થિતિ થાળે પડતા એક દોઢ મહિના જેટલો સમય થઈ જશે તેમ સરકારી વર્તુળો જણાવે છે. જો કોરોના વધુ વકરે તો આ સમયગાળો લંબાઈ શકે છે.

કોરોનાના કારણે રાજ્યનું જનજીવન લગભગ થંભી ગયા જેવુ થઈ ગયુ છે. વેપાર-ઉદ્યોગ ઠપ્પ છે. પોઝીટીવ દર્દીઓની સંખ્યા વધી રહી હોવાથી લોકોની ચિંતા પણ વધી રહી છે. કોરોના નવા નવા જિલ્લાઓમાં પગ પ્રસરાવી રહ્યો છે. છેલ્લા ૫ દિવસમાં પોઝીટીવનું પ્રમાણ ઘણુ વધ્યુ છે. શાળા-કોલેજો પખવાડીયાથી બંધ છે. જૂન સુધીનુ વેકેશન જાહેર કરી દેવામાં આવ્યુ છે. જાણકારો એવુ કહે છે કે કોરોનાનો છેલ્લો દર્દી મળ્યા પછી ૧૪ દિવસ સુધી નવો કોઈ દર્દી ન મળે તો કોરોનાથી મુકિત માનવાની રહે. આજની તારીખે પણ કોરોના પોઝીટીવ નવા કેસ સામે આવી રહ્યા છે. ૧૪ એપ્રિલ પછી લોકડાઉનની સ્થિતિ શું હશે ? તે અત્યારે કહેવુ મુશ્કેલ છે. લોકડાઉન આગળ ન વધે તો પણ ગુજરાતનું જનજીવન થાળે પડતા મે-જૂન દેખાય જશે તેમ સરકારી વર્તુળોનું કહેવુ છે. અત્યારે જો અને તો આધારીત સ્થિતિ છે.

(11:36 am IST)