ગુજરાત
News of Monday, 30th January 2023

વડોદરાના સાવલીના ધારાસભ્‍ય કેતન ઇનામદારે બરોડા ડેરીના સતાધીશો સામે બાયો ચડાવીઃ કલેકટર કચેરીઅે રજુઆત કરવા માટે પહોંચ્‍યા

પશુપાલકોને ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.

વડોદરાઃ  વડોદરાનાં સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે બરોડા ડેરીના સત્તાધિશો સામે બાંયો ચડાવી છે. પશુપાલકોને ન્યાય મળે તે માટે કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા.જ્યાં સુધી પશુપાલકોને ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત ચલાવશે અને 10 દિવસનું અલ્ટીમેટમ પણ આપ્યુ હતુ.

 

ધારાસભ્યનું કહેવુ છે કે પશુપાલકોને યોગ્ય દૂધનો ભાવ મળતો અને ઓછા ભાવે દૂધ વહેંચાય રહ્યુ છે ત્યારે ચોક્કસથી પશુપાલકોને ન્યાય મળવો જોઇએ. અન્યા બાબત જેવી કે દાણામાં ગુણવત્તા નથી હોતી આ તમામ બાબતે ધ્યાન દોર્યુ હતુ. જો 10 દિવસમાં પશુપાલકોને ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.

 

આ તકે ધારાસભ્ય કેતન ઇનામદારે મિડીયા સાથે વાત કરતાં જણાવ્યુ હતુ કે બરોડા ડેરીમાં જે પશુપાલકો દૂધ ભરે છે તેને દૂધનો ભાવ જે મળવો જોઇએ એ મળતો નથી. દાણના ભાવ ઉંચા છે અને ગુણવત્તા પણ નથી.વારંવાર પશુપાલકોએ આ મામલે રજૂઆત પણ કરી છે.પરંતુ કોઇએ ધ્યાનમાં લીધુ છે.બરોડા ડેરીના ટેમ્પાના રૂટમાં પણ તેમના મરતીયાઓને કોનટ્રાકટ આપેલો છે. આવા અનેક મુદ્દા આવેદનપત્રમાં લખ્યા છે.આ મુદ્દાઓને ગંભીરતાથી લેવા જ પડશે અને જો નહીં લે તો પરિણામ ભોગવશે.વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાનાં લાખો સભાસદોની આ વાત છે.

 

અત્રે ઉલ્લેખનીય છે કે આવેદનપત્રમાં લખેલા તમામ મુદ્દે કેતન ઇનામદારે કલેક્ટરની રજૂઆત કરી પશુપાલકોને ન્યાય આપવા માંગ કરી હતી. જો દસ દિવસમાં નિર્ણય નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચિમકી પણ આપી હતી. પરંતુ પશુપાલકોને ન્યાય આપીને જ રહેશે તેમ જણાવ્યુ હતુ.

 

 

(9:05 pm IST)