ગુજરાત
News of Monday, 30th January 2023

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ જુનિયર કલાર્ક પરીક્ષા પેપર લીક કેસમાં ૧પ આરોપીઓના ૧૦ ફેબ્રુઆરી સુધીના રિમાન્‍ડ મંજુર કરતી વડોદરા કોર્ટ

જુનિયર કલાર્ક પરીક્ષા પેપર લીકમાં આરોપીઓના ૧પ દિવસના રિમાન્‍ડ મંજુર કરવાની એટીએસે માંગણી કરી હતી અને કોર્ટે ૧ર દિવસના રીમાન્‍ડ મંજુર કર્યા

વડોદરા: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જુનિયર ક્લાર્કની પરીક્ષા લીક મામલે વડોદરાની કોર્ટે 15 આરોપીના 10 ફેબ્રુઆરી સુધી રિમાન્ડ મંજૂર કર્યા છે. ગુજરાત ATSએ પેપર લીક કૌભાંડના આરોપીઓના 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે આરોપીઓના 12 દિવસના રિમાન્ડ કર્યા હતા.

જુનિયર ક્લાર્ક પેપર લીક કૌભાંડના આરોપીઓને વડોદરા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ગુજરાત ATS દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. કોર્ટે આરોપીઓના 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ગુજરાત ATSની ટીમ મુખ્ય સુત્રધાર જીત નાયકને હૈદરાબાદથી અમદાવાદ લઇને આવી હતી. જીત નાયકે જ પેપરની ચોરી કરીને પ્રદિપને આપ્યુ હતુ.

હૈદરાબાદ, ઓરિસ્સા અને બિહાર જઇને ગુજરાત એટીએસ તપાસ કરશે. ઉત્તર ગુજરાત અને વડોદરાના કેટલાક લોકોના નામ ખુલી શકે છે. વડોદરાના ભાસ્કર ચૌધરી અને જીત નાયક સહિતના મુખ્ય સુત્રધારોએ કેટલા રૂપિયામાં આ સોદો કર્યો હતો અને કેટલી વ્યક્તિઓને આ પેપર આપ્યા હતા તેની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવશે.

જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતા યુથ કોંગ્રેસ દ્વારા અમદાવાદના મણિનગર વિસ્તારમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. યુથ કોંગ્રેસના વિશાલ ગુર્જર, ગૌરવ મકવાણા સહિતના કાર્યકરોએ પોલીસની મંજૂરી વગર દેખાવ કરી રહ્યા હતા એટલે પોલીસે NSUIના કાર્યકરોની અટકાયત કરી હતી. યુથ કોંગ્રેસના કાર્યકરોની માંગ છે કે આ રીતે પેપર ના ફૂટવા જોઇએ, જે પેપર ફૂટે છે તેની 30 દિવસની અંદર પરીક્ષા લેવાવી જોઇએ, જવાબદાર લોકો સામે કાર્યવાહી થવી જોઇએ. નિવૃત જજની અધ્યક્ષતામાં તપાસ કમિટીની રચના કરવી જોઇએ અને તપાસ ચાલતી હોય તે દરમિયાન બોર્ડના તમામ સભ્ય, કર્મચારી-અધિકારીઓને સસ્પેન્ડ અથવા રજા પર ઉતારવા જોઇએ. પેપર ફોડનારા લોકો સામે રાજદ્રોહનો ગુનો નોંધવો જોઇએ.

(8:19 pm IST)