વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં એપાર્ટમેન્ટમાં ધમધમતી દારૂની મેહફીલ ઝડપી પોલીસે 6શખ્સોની ધરપકડ કરી
વડોદરા: કારેલીબાગ પોલીસે સલાટવાડા વિસ્તારમાં આવેલ રૂક્ષ્મણીવિલા એપાર્ટમેન્ટમાં ચાલતી દારૂની મહેફિલ ઉપર દરોડો પાડી છ શખ્સોની પ્રોહિબિશનના ગુનામાં ધરપકડ કરી શૂન્યની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્ય આરોપી ગેરકાયદેસર આયુર્વેદિક ખાનદાની દવાખાનું તબુમાં ચલાવતો હોવાની વિગત પણ સપાટી પર આવી છે.
આ અંગેની વિગત એવી છે કે, કારેલીબાગ પોલીસ મથકના જવાનો પેટ્રોલિંગમાં હતા, તે સમયે પોલીસ મથક તરફથી વર્ધી મળી હતી કે, સલાટવાળા બારોટ મહોલ્લામાં આવેલ રૂક્ષ્મણીવિલા એપાર્ટમેન્ટમાં રહેતા વિશાલ જોશીના ઘરે દારૂની મહેફિલ જામી છે. જેના આધારે પોલીસે દરોડો પાડી છ શખ્સોને ઝડપી પાડ્યા હતા. જેમાં વિશાલ વાસુદેવ જોશી, ભારત કિશોર આગને (રહે- શાસ્ત્રીની પોળ, રાવપુરા), પૂર્વીલ વિનોદભાઈ શાહ (રહે- કાસાર ફળિયા , કોઠી રોડ), રોહન કિશોરભાઈ ધાઈબર (રહે- સલાટવાડા મેઈન રોડ ), કૃપાલકુમાર ભરતભાઈ પટેલ (રહે- આમળા, પાદરા) અને કુલદીપ વિજયસિંહ જગતાપ (રહે- માળી મહોલ્લો, સલાટવાડા )નો સમાવેશ થાય છે. પોલીસની પ્રાથમિક પૂછતાછમાં વિશાલ જોશીએ પોતાના ગેરકાયદેસર આયુર્વેદિક ખાનદાની દવાખાનાના તંબુમાં અન્ય આરોપીઓને બોલાવી દારૂની વ્યવસ્થા કરી મદદગારી કરી હોવાની વિગતો સપાટી પર આવી છે. દરોડા દરમિયાન પોલીસે ભારતીય બનાવટની વિદેશી દારૂની એક ખાલી બોટલ, પાંચ પ્લાસ્ટિકના ગ્લાસ સહિત શૂન્યની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.