આંબલી-ઇસ્કોન કોમ્પ્લેક્સમાં કોમ્પ્યુટર ક્લાસની આડમાં ધમધમતું કોલ સેન્ટર ઝડપાયું: પાંચની રંગે હાથે ધરપકડ
અમદાવાદ: શહેરના આંબલી-ઇસકોન રોડ ઉપર આવેલા એક કોમ્પલેકસમા કમ્પ્યુટર ક્લાસની આડમાં કોલ સેન્ટર ચલાવતા પાંચ શખ્સોને પોલીસે રંગેહાથ ઝડપી પાડયા હતા. પોલીસ તપાસમાં આરોપીઓ અમેરિકામાં ખોવાયેલી કારની ડિટેઇલ મેળવ્યા બાદ કારના માલિકને ફોન કરીને કારમાંથી પોલીસને ડ્રગ્સ મળ્યું હોવાનું કહીને ડરાવીને તેમની પાસેથી બે હજારના ગિફ્ટ વાઉચર પડાવતા હતા. આ કેસની વિગત એવી છે, કે સરખેજ પોલીસે ઇસકોન-આંબલી રોડ પર સ્વાગત બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે આવેલા અભીશ્રી કોર્પોરેટ પાર્કમાં દરોડો પાડયો હતો. જ્યાં કમ્પ્યુટર ક્લાસીસમાંથી કોલ સેન્ટર ચલાવતા પાંચ શખ્સોને ઝડપી પાડયા હતા. પકડાયેલા આરોપીઓમાં ન્યું રાણીપ જીએસટી ફાટક પાસે માનસી ફ્લેટમાં રહેતા હિરેનભાઇ. એન.કરનાણી અને ચાંદલોડિયા જગતપુર રોડ પર રણછોડ સોસાયટીમાં રહેતા જગદીશભાઇ. આર.ખટીક, પ્રેમ દરવાજા લાલા મહારાજના ડહેલામાં રહેતા નીતીનભાઇ.એસ.મિશ્રા તેમજ જોધપુર પાણીની ટાંકી પાસે વિજ્યા કોમ્પલેક્સમાં રહેતા ગૌતમભાઇ વી.ત્રિવેદી તથા સાણંદ મોરૈયા સહજ બંગલામાં રહેતા જીતેન્દ્રભાઇ.સી.વૈરાગીનો સમાવેશ થાય છે.