રાજ્ય ચૂંટણી આયોગમાં જુનીયર વકીલની પેનલ પર વકીલ માટે અરજીઓ મંગાવાઇ : રસ ધરાવનાર અનુભવી વકીલોએ ૭મી જાન્યુઆરી સુધી અરજી કરવાની રહેશે
રાજકોટ::: રાજ્ય ચૂંટણી આયોગમાં નામદાર ગુજરાત હાઇકોર્ટના કેસો માટે જુનીયર વકીલની પેનલ માટે બે વકીલની જરૂરિયાત હોઇ અરજીઓ મંગાવાઇ છે. રસ ધરાવતા અનુભવી વકીલોએ તા.૭મી જાન્યુઆરી -૨૦૨૧ સુધીમાં સંપૂર્ણ બાયોડેટા સાથેની અરજી ‘‘સચિવશ્રી રાજ્ય ચૂંટણી આયોગ, બ્લોક નં.૯, ૬ઠ્ઠો માળ, સચિવાલય,ગાંધીનગર’’ને મોકલી આપવાની રહેશે એમ રાજ્ય ચૂંટણી આયોગના સચિવશ્રીની યાદીમાં જણાવાયું છે.
યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર આ જુનીયર વકીલની પેનલ માટે ઉચ્ચ શૈક્ષણિક લાયકાત સાથે પાંચ વર્ષથી વધુ લીગલ પ્રેક્ટિસનો અનુભવ ધરાવતા અને અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ ધરાવતા જુનીયર વકીલોએ આ માટે અરજી કરવાની રહેશે. લાયક ઉમેદવારોને આયોગ ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવે ત્યારે આયોગની પસંદગી સમિતિ સમક્ષ નિયત સમયે ઉપસ્થિત રહેવાનું રહેશે. આ અંગેની વધુ વિગતો, શરતો અને બોલીઓ તથા ફીના ધોરણોની વિગતો રાજ્ય ચૂંટણી આયોગની નોટિસ બોર્ડ ઉપર અને આયોગની વેબસાઇટ www.sec.gujarat.gov.in ઉપર મુકવામાં આવેલ છે. જરૂર જણાયે આયોગની કચેરીએથી માંગણી કર્યેથી પણ વિગતો ઉપલબ્ધ થઇ શકશે. નામ.સુપ્રિમ કોર્ટ/નામ. હાઇકોર્ટના આયોગે નિયુક્ત કરેલ/કરવામાં આવતા સીનીયર એડવોકે્ટસ સાથે સંપર્ક કરવાનો રહેતો હોવાથી ધોરણ ૧૦ થી સ્નાતક કક્ષાસુધી પ્રથમ વર્ગમાં ઉત્તિર્ણ થનાર ઉમેદવારોને પસંદગીમાં અગ્રતા આપવામાં આવશે એમ વધુમાં જણાવાયુ છે.