ગુજરાત
News of Tuesday, 29th December 2020

મનસુખભાઈ વસાવાએ હજુ સુધી રાજીનામું નથી આપ્યું: બજેટ સત્રમાં આપીશ એમ જણાવ્યું છે: સી.આર.પાટીલ

મનસુખભાઇની લાગણી નહિ દુભાઈ અને અમે એમને સમજાવી લઈશું: તેઓ સેન્સેટીવ વ્યક્તિ છે : પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ.

ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાના રાજીનામા બાદ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલે કહ્યુ કે મનસુખ વસાવાએ રાજીનામું આપ્યુ નથી.

ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલે કહ્યુ કે, “મનસુખ વસાવા અમારા સીનિયર નેતા અને સાંસદ છે. મનસુખ વસાવાએ રાજીનામું નથી આપ્યુ, તેમણે કહ્યુ કે બજેટ સત્રમાં દિલ્હી જઇશ ત્યારે રાજીનામું આપીશ તેવો મને પત્ર લખ્યો છે. 2 દિવસ પહેલા પણ તેમની સાથે વાત થઇ હતી, તેમણે કેટલાક મુદ્દા પર મનદુખ હતું તે વાત કરી હતી.

સવારે મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણી સાથે મીટિંગ થઇ હતી જેમાં ચર્ચા કરી હતી અને અમે સોલ્યુશન લાવવાની વાત કરી છે અને જલ્દી સમાધાન થઇ જશે. મનસુખ વસાવા સીનિયર સાંસદ છે અને તેમની લાગણી ના દુભાય તેવા પ્રયત્ન કરીએ છીએ.”

સીઆર પાટિલે વધુમાં કહ્યુ કે, “નર્મદામાં ઇકો સેન્સેટીવ ઝોન જે ઘણા વર્ષો પહેલા જાહેર કરવામાં આવ્યુ હતું, તેને લઇને વાત થઇ છે. કલેક્ટર દ્વારા જે એન્ટ્રી કરવામાં આવી છે, તેને લઇ કેટલાક લોકો દ્વારા ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, અમે તેમણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અમે પ્રયત્ન કરી રહ્યા છીએ કે તેમની ગેરસમજ દૂર થાય.”

(1:52 pm IST)