ગુજરાત
News of Tuesday, 29th November 2022

ઝલક દિખલા જા ૧૦ ની વિજેતા આસામની ૮ વર્ષીય ગુંજન સિંહાને ડાન્સમાં કરીયર બનાવવાની ઇચ્છા

ગુંજન અગાઉ રીયાલીટી શોમાં રનર અપ રહેલ : પિતા પોલીસમેન-માતા ગૃહિણી

અમદાવાદ,તા.૨૯ : ગુંજનસિંહા માત્ર ૮ વર્ષની છે,પણ તેના જોરદાર પરર્ફોમન્સે તેને ઘણી નામના અપાવી છે. તે બોલીવુડના સ્ટારો દ્વારા હોસ્ટ કરાયેલ અન્ય શો માં પણ જોવા મળી છે.

ઓકટોબરમાં બીગ બોસ ૧૬ના પ્રીમીયરમાં તેણે સલમાનખાન સાથે દબંગના ગીત પર ડાન્સ કર્યો હતો. તે રણવીરસિંધના ગેમ શો બીગ પીકચર ઉપરાંત નેહા ભસીન અને રશ્મી દેસાઇના મ્યુઝીક વીડીયો પરવાહમાં પણ જોવા મળી હતી.

ડાન્સ રીયાલીટી શો તેના માટે નવો નથી

 જો તમને એમ હોય કે ગુંજનસિંહા ડાન્સ રીયાલીટી શો માટે નવી છે તો તમારે ફરીથી વિચારવું પડશે. આ શોમાં જોડાતા પહેલા તેણે કલર્સ ટીવીના એક ડાન્સ શો ડાન્સ દિવાને સીઝન ૩માં પણ ભાગ લીધો હતો.

જો કે તેમાં તે ફર્સ્ટ રનર અપ જાહેર થઇ હતી પણ ઝલક દિખલા જા માં છેવટે તે પોતાનું સપનું સાકાર કરવામાં સફળ થઇ  હતી. આ શો માં ગુંજને ટાઇટલ જીત્યું હતું. જ્યારે શેખ અને દિલૈક અનુક્રમે પ્રથમ અને બીજા રનર્સ અપ જાહેર થયા હતા.

૮ વર્ષની ગુંજનસિંહા કોણ છે?

ગુંજનસિંહાના હાથમાં ટ્રોફી આવવાની સાથે જ ''ઝલક દિખલા જા'' ની ૧૦ મી સીઝન પુરી થઇ છે. તે ફાઇનલમાં  રૂબીના દિલૈક અને ફૈઝલ શેખ જવા હરીફો સાથે ફાઇનલમાં પહોંચી હતી. ગુંજન વિજેતા જાહેર થઇ હતી, જ્યારે શેખ અને દિલૈક અનુક્રમે બીજા અને ત્રીજા નંબરે રહ્યા હતા.

''ઝલક દિખલા જા'' એ એક ડાન્સ રીયાલીટી શો છે, જે ૨૦૦૬માં શરૂ થયો હતો. ત્યાર પછી તે જોરદાર રીતે પ્રખ્યાત થતા તે દર વર્ષ નવી સીઝન સાથે પ્રસારીત થતો રહ્યો હતો. આ વર્ષે આ શો ૧૦માં વર્ષમાં પ્રવેશ્યો હતો અને તે ૫ વર્ષના અંતરાલ પછી આવ્યો હતો, ૩ સપટેમ્બરે તેનું પ્રીમીયમ થયું હતું. અને તેનો ફાઇનલ એપીસોડ જેમાં ગુંજન વિજેતા થઇ તે રવિવારે પ્રસારિત થયો હતો.આ શોમાં ભાગ લેનારાઓમાં ગુંજન સૌથી નાની વયની હરીફ હતી. ૮ વર્ષની ગુંજને તેના ૧૨ વર્ષના પાર્ટનર તેજસ વર્મા સાથે ભાગ લીધો હતો અને નિર્ણાયકો (માધુરી દિક્ષિત, કરણ જોહર અને નોરા ફતેહી) તથા દર્શકોના દિલ જીતી લીધા હતા.આસામના ગૌહતીમાં જન્મેલી અને મોટી થયેલી ગુંજન એક પોલીસમેનની પુત્રી છે. તેની માતા એક ગૃહિણી છે. તે ડાન્સીંગમાં પોતાની કરીયર બનાવવા માંગે છે. (૨૫.૧૯)

 

 

રોટરી કલબ ઓફ રાજકોટ પ્રાઇમ અને એવીપીટીઆઇ દ્વારા યોજાઇ ઓપન સૌરાષ્ટ્ર ચેસ સ્પર્ધા

રાજકોટ : રોટરી કલબ ઓફ રાજકોટ પ્રાઇમ દ્વારા એવીપીટીઆઇ કોલેજના સહયોગથી ઓપન સૌરાષ્ટ્ર ચેસ ચેમ્પિયનશીપનું આયોજન કરાયુ હતુ. જેમાં રાજકોટ ઉપરાંત જામનગર, મોરબી, ભાવનગર, ભુજ, જુનાગઢ સહીતના શહેરના મળી ૧૭૯ જેટલા ખેલાડીઓએ  ઉત્સાહભેર ભાગ લીધો હતો. યુ-૧૧, યુ-૧૭ અને ઓપન સૌરાષ્ટ્ર એમ ત્રણ વિભાગમાં ટુર્નામેન્ટ યોજાઇ હતી. આ તકે  રોટરી કલબ ઓફ રાજકોટ પ્રાઇમના પ્રેસીડેન્ટ મેહુલભાઇ જામંગ, સેક્રેટરી ક્રિડન પડીયા, ઇવેન્ટ ચેર સી.એ. પરીનભાઇ પટેલ, કો-ચેરી તુષાર સીમરીયા, એવીપીટીના અધીકારીઓ-પદાધીકારીઓએ ઉપસ્થિત રહી સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો. યુ-૧૧ માં કુલ ૧૦ ઇનામો રાખવામાં આવ્યો હતો. જેમાં પ્રથમ ક્રમે હેરીન પટેલ આવેલ. જયારે યુ-૧૭ માં કુલ પ ઇનામો રાખવામાં આવ્યા હતો. જેમાં પ્રથમ ક્રમે જાગૃત મોદી આવેલ. જયારે ઓપન સૌરાષ્ટ્રમાં પણ પ ઇનામો રાખવામાં આવેલ. જેમાં પ્રથમ ક્રમે રૂષાંગ ત્રિવેદી આવેલ. રોટરી પ્રાઇમ દ્વારા દરેક પ્રતિસ્પર્ધીઓને સર્ટીફીકેટ અને વિજેતાઓને ટ્રોફી તેમજ કેશ પ્રાઇઝ આપવામાં આવેલ. સ્પર્ધકોએ રોટરી પ્રાઇમ વ્યવસ્થા અને મેનેજમેન્ટને વખાણી સંતોષ વ્યકત કર્યો હતો. વાલીઓ માટે પણ સીટીંગ એરેજમેન્ટ અને ચા-પાણી ભોજનની વ્યવસ્થા રાખવામાં આવી હતી.

(3:26 pm IST)