ગુજરાત
News of Sunday, 29th November 2020

યુવકે આત્મહત્યા કરવાનું નાટક કરતા મોત નિપજ્યું

સુરતના નવાગામ-ડિંડોલી વિસ્તારની ઘટના : મજાક મજાકમાં બાળકોની નજર સામે ફાંસો લાગી જતાં યુવકનું કરૂણ મોત : ત્રણ બાળકોએ પિતાને ગુમાવી દીધા

સુરત, તા. ૨૯ : મજાક પણ ક્યારેક ભારે પડતી હોય છે તેવો જ એક કિસ્સો સુરતના નવાગામ-ડિંડોલી વિસ્તારમાંથી સામે આવ્યો છે. જ્યાં એક યુવક મજાક મજાકમાં મોતને ભેટ્યો હતો. મીડિયા રિપોર્ટ મુજબ સુરતના નવાગામ-ડિંડોલીના ઉમિયાનગરમાં રહેતા મૂળ મહારાષ્ટ્રના યુવકનું મજાક મજાકમાં બાળકોની નજર સામે ગળેફાંસો લાગી જતા મોત નીપજ્યું હતું. બે દીકરી અને એક દીકરાના પિતા પ્રમોદ કાપડે ભંગારનો ટેમ્પો ચલાવી પરિવારનું ગુજરાન કરતા હતા. જો કે, હવે તેમના મોતથી ત્રણ સંતાનોએ પિતા ગુમાવ્યા છે.

ડિંડોલી પોલીસના જણાવ્યા અનુસાર પ્રમોદ કાપડે કોરોના લોકડાઉન પહેલા એમ્બ્યુલન્સના ડ્રાઈવર તરીકે કામ કરતા હતા. જો કે, યોગ્ય વળતર નહીં મળતા તેઓ લોકડાઉન બાદ આર્થિક ભીંસને લઈ ભંગારનો ટેમ્પો ચલાવીને ૩ સંતાન અને પત્ની સહિત પરિવારનું ગુજરાન કરતા હતા. ઘરના શૌચાલય રીનોવેટ માટે લીધેલી લોનના હપ્તા ન ભરી શકતા પણ તે હમેશાં માનસિક તણાવમાં રહેતા હતા.

પોલીસે વધુમાં જણાવ્યા મુજબ, સળંગ ચારથી પાંચ હપ્તા ના ભરાતા બેક્નમાંથી વારંવાર ફોન આવતા હતા. આ દરમિયાન શુક્રવારે રાત્રે બાળકો સાથે રસોડામાં મજાક મજાકમાં ગળે દોરડું લગાડી બાળકોને આપઘાતના પાઠ ભણાવવા જતા અકસ્માતે ફાંસો લાગી ગયો હતો અને તેમનું મોત નીપજ્યું હતું. બાળકોની ચિચિયારી બાદ પત્ની અને પાડોશીઓ દોડી આવ્યા હતા અને હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટ મુજબ 'મેં અગર મર જાઉં તો તુમ્હે કોન સંભાલેગા' એમ કહીને ફાંસો લગાવ્યો હતો.

મીડિયા રિપોર્ટ મુજબ એ પણ જાણવા મળ્યું છે કે, પ્રમોદ દારૂના નશામાં હતો અને બાળકો સાથે મજાક મસ્તી કરી રહ્યો હતો. આપઘાત કરવો હોય તેનો ડેમો બતાવવા માટે પ્રમોદે બાળકો સામે ટેબલ પર ચઢીને સાડીનો એક છેડો ગળામાં અને બીજો છેડો છતના હુકમાં બાધ્યો હતો. નશાની હાલમતાં બેલેન્સ ન જળવાતા પ્રમોદને ફાંસો લાગી ગયો હતો અને ટેબલ પરથી નીચે પટકાયો હતો. બાળકોએ બૂમાબૂમ કરતા પત્ની દોડી આવી હતી પરંતુ ત્યાં સુધી પ્રમોદનું મોત થઈ ચૂક્યું હતું. આ બનાવ લોકો માટે લાલબત્તી સમાન છે.

(9:38 pm IST)