ગુજરાત
News of Sunday, 29th November 2020

રાજ્યની મહિલાઓ નજીવા ખર્ચે જાતે સેનેટરી પેડ બનાવી શકશે

જીટીયુ અને સ્ત્રી ચેતના એસોસિયેશનના સંયુક્ત ઉપક્રમે “સુચિતા” ટ્રેનિંગ પ્રોગ્રામ યોજાયો

અમદાવાદ : વડાપ્રધાન મોદીના આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ ગુજરાતની મહિલાઓ નજીવા ખર્ચે જાતે સેનેટરી પેડ બનાવી શકશે.ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) પણ પ્રધાનમંત્રીના અભિયાનમાં સહભાગી થવા માટે સતત કાર્યરત રહે છે.જેના ઉપલક્ષે તાજેતરમાં જ જીટીયુ સંચાલિત અટલ ઈન્કયુબેશન સેન્ટર અને સ્ત્રી ચેતના એસોસિએશનના  સંયુક્ત ઉપક્રમે મહીલા રોજગારી પૂરી પાડતો “સુચિતા” નામનો 3 દિવસીય ટ્રેનિંગ પ્રોગ્રામ યોજાયો હતો.

 આ 3 દિવસીય ટ્રેનિંગ પ્રોગ્રામમાં ગુજરાતના જુદા જુદા ક્ષેત્રોમાંથી 25થી વધારે મહિલાઓ ઓનલાઇન માધ્યમ થકી ટ્રેનિંગ પ્રોગ્રામમાં જોડાઈ હતી. જેમાં મુખ્યત્વે સ્ત્રીઓની સ્વાસ્થ્ય સંબંધિત બાબતોની જાણકારી અપાઈ હતી  ઉપરાંત દરેક સ્ત્રીઓ રોજગારી પ્રાપ્ત કરીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે હેતુસર, ડૉ. પ્રતિભા આઠવલે નિર્મિત સેનેટરી પેડ મશીનનો ઉપયોગ કરીને જાતેજ સેનેટરી પેડ બનાવી શકે અને આર્થિક ઉપાર્જન માટે સ્વનિર્મિત પેડને વહેચવા માટેની માર્કેટિંગ સ્કીલ બાબતેની ટ્રેનિંગ પણ આપવામાં આવી હતી

આ ટ્રેનિંગ પ્રોગ્રામનો મુખ્ય હેતુ આંતરિયાળ વિસ્તારમાં રહેતી મહિલાઓમાં સેનેટરી પેડના ઉપયોગ બાબતે જાગૃતતા આવે અને 3 થી 4 રૂપિયાની કિંમતમાં તેઓ પણ આ પેડનો ઉપયોગ કરી શકે તથા નજીકમાં રહેલી અન્ય મહિલાઓનો પણ તે બાબતે જાગૃત કરીને રોજગારી પ્રાપ્ત કરી શકે તે હતો.

જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમનો શુભારંભ કરાયો હતો. તેમણે આ પ્રસંગે જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારની સ્ત્રીઓ પણ આત્મનિર્ભર બનીને દેશ વિકાસમાં સહભાગી થાય. તે અર્થે જીટીયુ દ્વારા મહિલા રોજગારલક્ષી ટ્રેનિંગ પ્રોગ્રામનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.

 જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન. ખેર પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત તજજ્ઞો તરીકે સ્ત્રી ચેતના એસોસિએશનના નેશનલ વાઇસ પ્રેસિડેન્ટ શૈલજા અંધારે, ગુજરાતના મહામંત્રી નીપા શુક્લા, વાઇસ પ્રેસિડેન્ટ ડૉ. રશ્મિ ભાવસાર, વિદ્યા પસારી, શીતલ શીખંડે , ડૉ. સંસ્કૃતિ મજુમદાર અને ડોક્ટર પ્રતિભા આઠવલે હાજર રહ્યા હતા.

જીટીયુના કુલસચિવ અને કુલપતિએ આ ટ્રેનિંગ પ્રોગ્રામના સફળ આયોજન બદલ અટલ ઈન્કયુબેશન સેન્ટરની ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

(9:28 pm IST)