ગુજરાત
News of Sunday, 29th November 2020

અમદાવાદમાં કોરોના બેકાબુ : સુરતથી 30 વેન્ટિલેટર અને 986 કિલોલીટરની બે ઓક્સિજન ટેન્ક મોકલાઈ

સુરત નવી સિવિલમાં ફરજ બજાવતા બે વરિષ્ઠ તબીબોને ડેપ્યુટેશન પર અમદાવાદ મોકલાયા

અમદાવાદમાં દિવાળી બાદ કોરોના ફરી  બેકાબુ બનતા સુરતથી ડોક્ટરોને ડેપ્યુટેશન પર મોકલાયા બાદ નવી સિવિલ હોસ્પિટલમાંથી વધુ બે સિનિયર ડોકટર,  30 વેન્ટિલેટર અને 986 કિલોલીટરની બે ઓક્સિજન ટેન્ક અમદાવાદની સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવી છે.

દિવાળી બાદ અમદાવાદમાં કોરોનાએ વિકરાળ સ્વરૃપ ધારણ કર્યું છે.નવા કેસોમાં વધારા સાથે મૃત્યુઆંક વધી રહ્યો છે. ત્યારે સુરત નવી સિવિલની કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવતા વધુ બે સિનિયર ડોકટરને ડેપ્યુટેશન પર અમદાવાદ મોકલાયા છે. તેમજ 30 વેન્ટિલેટર મશીન અને બે ઓક્સિજન ટેન્ક પણ મોકલવામાં આવી છે. આ વેન્ટિલેટર મશીનો જોકે, અગાઉ અમદાવાદથી જ સુરત મોકલાયા હતા જે રિટર્ન કરાયા છે.

અમદાવાદ મોકલાયેલી બે ઓક્સિજન ટેન્કની કેપેસીટી 986 કિલોલીટરની છે. આ બંને પોર્ટેબલ ઓક્સિજન ટેન્કનો હાલમાં નવી સિવિલમાં ઉપયોગ થતો નહોતો. જેથી તે અમદાવાદ મોકલી આપવામાં આવી છે એમ સિવિલના અધિકારીએ જણાવ્યું હતું.  નવી સિવિલમાં સેન્ટ્રલ મેડિકલ સ્ટોર પાસે 13000 કિલોલીટરની અને કોવિડ હોસ્પિટલ પાસે 17000 કિલોલિટરની ઓક્સિજન ટેન્ક ઇન્સ્ટોલ કરાયેલી છે.

(1:07 pm IST)