ગુજરાત
News of Friday, 29th November 2019

અમદાવાદમાં 2.18 કરોડ રૂપિયાની પોર્શે કાર માલીકને 9.80 લાખનો તોતિંગ દંડ ફટકાર્યો

ગુજરાતમાં અત્યાર સુધીનો સૌથી મોટો દંડ: છેલ્લા 3 મહિનામાં રેકોર્ડબ્રેક 5.75 કરોડ વસુલાયા

અમદાવાદ : અમદાવાદ પોલીસેચેકિંગ દરમિયાન 2.18 કરોડ રૂપિયાની પોર્શે 911 કારને ડિટેઇન કરી હતી. આ લક્ઝરી કારના માલિકને 9.80 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. પોલીસે ટ્રાફિક તોડવા બદલ ગુજરાતમાં અત્યાર સુધીનો સૌથી મોટો દંડ ફટકાર્યો છે.

  કારમાં નંબર પ્લેટ ન હતી અને આ ઉપરાંત કારચાલક પાસે જરૂરી ડોક્યુમેન્ટ્સ પણ ન હતા. જેને કારણે ટ્રાફિક નિયમ ભંગ કરવા બદલ પોલીસે આકરો દંડ ફટકાર્યો છે. અમદાવાદ પોલીસે ટ્વીટ કરી આ અંગે જાણકારી આપી છે.

   બે દિવસ પહેલા શહેર ટ્રાફિક પોલીસે લક્ઝુરિયસ કાર સામે ટ્રાફિક ડ્રાઇવ યોજી હતી. જેમાં હેલ્મેટ સર્કલ પાસે પોલીસે 2.18 કરોડની પોર્શે 911 મોડેલની કાર ડિટેઇન કરી હતી. પોલીસે આપેલા આરટીઓ મેમો મુજબ બપોરે હેલ્મેટ સર્કલ પાસે પોર્શે કારના આગળ પાછળ નંબર પ્લેટ ન હોવાથી, હુકમનો ભંગ અને વેલિડ કાગળો ન હોવાથી ડિટેઇન કરવામાં આવી હતી.

પોલીસે બે દિવસ પહેલા યોજેલી ડ્રાઇવમાં લક્ઝૂરિયસ કાર પોર્શે સિવાય મર્સિડીઝ, રેંજ રોવર, તેમજ ફોર્ચ્યુનર જેવી કારને પણ ડિટેન કરી હતી. અમદાવાદ પોલીસે આ કાર્યવાહીની માહિતી તેના ટ્વીટર એકાઉન્ટ પર આપી હતી. પોલીસે આ સાથે સંદેશો આપ્યો હતો. આદત બદલો તો અમદાવાદ બદલાશે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ અમદાવાદ પોલીસે છેલ્લા 3 મહિનામાં રેકોર્ડબ્રેક 5.75 કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો છે

(10:21 pm IST)