ગુજરાત
News of Friday, 29th November 2019

પરીક્ષા સંદર્ભે કોંગ્રેસ દ્વારા બધા આક્ષેપ પાયાવિહોણા

કોંગ્રેસ યુવાનોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરે : અસિત વોરા : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળને મળેલ બધી રજૂઆતો પ્રત્યે પારદર્શિતાથી તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરાશે

અમદાવાદ,તા.૨૯ : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત  વોરા એ  જણાવ્યુ છે કે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા તાજેતરમાં બિન સચિવાલય કારકુન અને સચિવાલય ઓફીસ આસીસ્ટન્ટ વર્ગ-૩ સંવર્ગની પરીક્ષા લેવાઇ હતી તે સંદર્ભે કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા દ્વારા કરાયેલા તમામ આક્ષેપો સંપૂર્ણ પાયાવિહોણા છે. તેમણે આજે પરીક્ષા સંદર્ભે જે વિડયો ફૂટેજ જાહેર કર્યા છે તેને રાજ્ય સરકારે અત્યંત ગંભીરતાથી લીધા છે અને તેની પણ યોગ્ય તપાસ સંપૂર્ણ પારદર્શિતાથી કરવામાં આવશે. રાજ્ય સરકાર યુવાનોને સંપૂર્ણ પારદર્શિતાથી સરકારી સેવામાં જોડી રહી છે ત્યારે આવા બેબુનિયાદ આક્ષેપો કરીને યુવાનોને ગુમરાહ કરવાનું કામ કોંગ્રેસે બંધ કરવું જોઇએ.

                     અધ્યક્ષ વોરા એ ઉમેર્યુ કે, રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ યુવાનોને સરકારી સેવાનો લાભ મળે તે માટે વાર્ષિક  કેલેન્ડર મુજબ ભરતી કાર્યક્રમ હાથ ધરીને સરકારી નોકરી યુવાનોને આપી છે તે કોંગ્રેસને આંખમાં કણાની જેમ ખૂંચે છે અને યુવાનોને ગેરમાર્ગે દોરી રહી છે. ચાવડા દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતેની સીયુ શાહ કોલેજના વિડીયો ફૂટેજ જાહેર કરીને રાજ્ય સરકારને બદનામ કરવામાં આવી રહી છે તેને સરકાર સહેજ પણ સાંખી લેશે નહીં. આ કેન્દ્રના વિડીયો ફૂટેજની સંપૂર્ણ પારદર્શિતાથી તપાસ કરાશે. કેન્દ્રમાં લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ યોગ્ય રીતે ચકાસણી કરવામાં આવશે અને આ માટે ઉમેદવારોતેમજ કેન્દ્રના નિયામકને રૂબરૂમાં બોલાવી પરામર્શ કર્યા બાદ જો તેમાં ગેરરીતિ આચરાઇ હશે તો તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવા રાજ્ય સરકાર સહેજ પણ કચાશ રાખશે નહીં. ગેરરીતિમાં જે વ્યકિતઓ સંડોવાયેલી જણાશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરાશે. અધ્યક્ષ વોરા એ ઉમેર્યુ કે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા રાજ્ય સરકારના વિવિધ વિભાગોની, વિવિધ સંવર્ગોની પરીક્ષાનું આયોજન ટેકનોલોજીના માધ્યમ દ્વારા સંપૂર્ણપારદર્શિતાથી કરવામાં આવી રહ્યુ છે.

(9:15 pm IST)