ગુજરાત
News of Thursday, 29th November 2018

વડોદરાના લાપત્તા પૂર્વ ક્રિકેટરને શોધવા માટે પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે ૬ ટીમો મેદાને ઉતારી

એનઆરઆઈ હોવાથી મામલો અમેરિકન એમ્બેસી સુધી પહોંચી ગયો : સીસીટીવી ફુટેજ આધારે રીક્ષાની શોધખોળઃ ક્રાઈમ બ્રાંચ તમામ એંગલ તપાસી રહી છે

રાજકોટ, તા. ૨૯ :. વડોદરામાંથી ગૂમ થયેલ પૂર્વ ક્રિકેટર અને એનઆરઆઈ મિતલ સરૈયાનો હજુ સુધી કોઈ પત્તો ન લાગતા અને મામલો અમેરિકન એમ્બેસી મારફત ભારતની એમ્બેસી સુધી પહોંચવા સાથે ઠેર-ઠેર ચર્ચાનો વિષય બની ગયો છે.

ઉકત બાબતે વડોદરાના પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે ઘટનાની ફરીયાદ બાદ તૂર્ત જ સમગ્ર મામલો ક્રાઈમ બ્રાંચને સુપ્રત કરી અને ટેકનીકલ સોર્સને કામે લગાડવામાં આવ્યા હતા. ઉકત બાબતે અકિલા સાથેની વાતચીતમાં વડોદરાના પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે જણાવેલ કે, તેઓ સીસીટીવીમાં જે રીક્ષામાં બેઠા બાદ ગુમ થયા છે તેનો પત્તો લગાડવાની સાથોસાથ તેઓ બેંકમાં જે સ્થળે ગયા હતા તે બેંકના મેનેજર, સ્ટાફ અને તેને મળેલા પાડોશી વિગેરેની પૂછપરછ કરી તેમનો પત્તો લગાડવા ૬ ટીમો કાર્યરત કરવામાં આવી છે.

અત્રે યાદ રહે કે પૂર્વ ક્રિકેટર સરૈયા કે જેઓ હાલમાં ફલોરીડા (યુએસએ)માં વસે છે. તેઓ પરિવારની તબીયત જોવા બરોડા આવ્યા હતા. ત્યાર બાદ તેઓ આઈસીઆઈસીઆઈ બેંકમાં તેમની પાસે રહેલ ૪૦૦ ડોલર પૈકીની રકમ વટાવવા માટે ગયા હતા. બેંકમાં ૫ - ૭ મીનીટ રોકાયા બાદ તેઓએ થોડે દૂર જઈ રીક્ષા કરી હતી. ત્યાર બાદ તેઓ પરત ફર્યા નથી. બપોરે ૩.૩૦ સુધી તેઓ પરત ન આવતા તેઓના મોબાઈલ પર સંપર્ક કરવા પરિવારે પ્રયાસ કર્યો પરંતુ ફોન બંધ આવતો હતો. આથી પોલીસને મોડેથી જાણ કરવામાં આવતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે.

(1:23 pm IST)