ગુજરાત
News of Thursday, 29th October 2020

ડાકોર નગરપાલિકાના પ્રમુખ મયુરી પટેલ ગેરલાયક ઠર્યા:હાઇકોર્ટે ચૂંટણી કરી કેન્સલ

કોર્ટે તાત્કાલિક વહીવટદાર નિમણૂંક કરવા માટેના પણ આદેશ આપ્યા

ડાકોર નગરપાલિકાના પ્રમુખ ગેરલાયક ઠર્યા છે. નગરપાલિકા પ્રમુખ મયુરી પટેલ ગેરલાયક હોવાનું જાણવા મળ્યું છે. જેેને લઈને રાજ્યની ગુજરાત હાઈકોર્ટે પાલિકાની ચૂંટણી રદ્દ કરી છે. સપ્ટેમ્બર મહિનામાં આ અંગે એક ચૂંટણી યોજાઈ હતી. કોર્ટે તાત્કાલિક વહીવટદાર નિમણૂંક કરવા માટેના પણ આદેશ આપ્યા છે. ડાકોર નગરપાલિકાના સાત સભ્યોનું પદ છીનવાયું છે. ગત ટર્મમાં ભાજપમાંથી બરતરફ કરાયેલા સાત સભ્યોને ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. ત્યાર બાદ હવે રાજ્યની ગુજરાત હાઈકોર્ટે પોતાનો ચૂકાદો આપ્યો છે.

નગરપાલિકાનું પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં વ્હીપનો અનાદર કરવા બદલ એમને બરતરફ કરી દેવામાં આવ્યા હતા. ડાકોર પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની બે વર્ષ પહેલા ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપના સભ્યોને મેન્ડેટ ધરાવતા પ્રમુખ અને ઉપપ્રમુખ પોસ્ટના ઉમેદવારને મતદાન કરાવવા વ્હીપ આપ્યો હતો. કુલ સાત સભ્યોએ એનો અનાદર કરીને વિરોધમાં મતદાન કરી દીધું હતું. આ અનાદર કરનારા વ્યક્તિઓમાં કલ્પેશ ભટ્ટ, ઝલક ખંભોળજા, મમતા શાહ, ઉપેન્દ્રકુમાર યાદવ, વનિતા શાહ, શિતલ પટેલ અને અક્ષયકુમાર પટેલનો સમાવેશ થાય છે. આ તમામ વ્યક્તિઓને ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. જોકે, બીજી ટર્મના આ મતદાન બાદ આ નિર્ણય આવી જતા રાજરમત થઈ હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. પણ નગરપાલિકાના પ્રમુખ મયુરી પટેલ ગેરલાયક હોવાનું સામે આવતા પંથકમાં અનેક રાજકીય ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

(8:57 pm IST)