ગુજરાત
News of Thursday, 29th October 2020

અધિકારી-કર્મી પતિ-પત્નીની બદલી તે જિલ્લામાં થઈ શકે

રાજ્ય સરકારે નવો સુધારો કર્યો : નવા સુધારામાં હાઈકોર્ટના કર્મી-અધિકારીને સામેલ કર્યા

ગાંધીનગર, તા. ૨૯ : અગાઉ માત્ર સચિવાલયમાં કામ કરતા હોય તેવા સંચિવાલય સંવર્ગના અધિકારી-કર્મચારીના પતિ કે પત્ની જો અન્ય કોઈ જિલ્લામાં સરકારી શિક્ષક હોય તો તેની બદલી પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા થઈ શકતી હતી. પરંતુ હવેથી સચિવાલય ઉપરાંત જીપીએસસી સહિતના અન્ય વિભાગો કે ખાતાઓના કર્મચારી-અધિકારીના પતિ કે પત્નિની બદલી ગાંધીનગર જિલ્લામાં થઈ શકશે. સરકારે નવા સુધારામાં હાઈકોર્ટના કર્મચારી-અધિકારીને પણ સામેલ કર્યા છે અને જે મુજબ હવેથી હાઈકોર્ટના અધિકારી કે કર્મચારીના પતિ કે પત્ની જો કોઈ જિલ્લામાં પ્રાથમિક શિક્ષક -વિદ્યાસહાયક હોય તો તેમની બદલી અમદાવાદ જિલ્લામાં જે સ્કૂલમાં ખાલી જગ્યા હોય ત્યાં થઈ શકશે. સરકારે પ્રાથમિક શિક્ષકો અને વિદ્યાસહાયકોની બદલી માટેના નિયમોમાં મહત્વના સુધારા જાહેર કર્યા છે.જે મુજબ હવે ધો.૧થી૫ અને ધો.૬થી૮ અલગ અલગ એકમ ગણીને શિક્ષક કે વિદ્યાસહાયકની બદલી પણ અલગ અલગ કરવાની રહેશે.એટલે કે વધઘટના કિસ્સામાં ધો.૧થીપના શિક્ષકની બદલી ધો.૬થી૮માં અને ધો.૬થી૮ના શિક્ષકની બદલી ધો.૧થી૫માં પરસ્પર રીતે નહી થઈ શકે તેમજ એક સ્કૂલમાં બદલી નહી કરી શકાય. હવે વધ-ઘટ બદલી કેમ્પના કિસ્સામાં પણ સરકારના સુધારેલા નિયમો લાગુ થશે.

નવા સુધારા મુજબ વધઘટની બદલી કરતી વખતે હવેથી ધો.૧થી૫ની લાયકાત ધરાવતા શિક્ષકને ધો.૬થી૮માં અને ધો.૬થી૮ના શિક્ષકને ધો.૧થી૫માં બદલી કરી શકાશે નહી.અગાઉ એક સ્કૂલમાં જો ધો.૧થી૫માં શિક્ષકની વધ હોય તો ધો.૬થી૮માં અને ધો.૬થી૮માં વધ હોય તો ધો.૧થી૫માં બદલી કરી દેવાતી હતી પરંતુ હવેથી થઈ શકશે નહી જેથી જે તે વિષયના શિક્ષકની જ્યાં ખરેખર જરૂર હોય તે સ્કૂલમાં બાળકોને ભણાવવા માટે મળી રહે. ઉપરાંત અન્ય મહત્વના સુધારામાં હવે ગાંધીનગરમાં સચિવાલય ઉપરાંત અન્ય વિભાગો કે ખાતાઓ કે જેની વડી ઓફિસ રાજ્યમાં બીજે ક્યાંય હોય તેવા કિસ્સામાં બિન બદલીપાત્ર સરકારી અધિકારી-કર્મચારીના પતિ કે પત્નીને ગાંધીનગર જિલ્લાની સ્કૂલમાં ખાલી જગ્યા પર બદલી કરી શકાશે.

(8:55 pm IST)