ગુજરાત
News of Thursday, 29th October 2020

રાજ્યમાં ડોકટર્સ, નર્સ અને પેરા મેડિકલ સ્ટાફના મંજુર થયેલ પદ પર કેટલી નિમણુંક ?:રિપોર્ટ રજૂ કરવા હાઈકૉર્ટનું કહેણ

સુઓ મોટો અરજીના ચુકાદામાં અલગ અલગ સરકારી વિભાગમાં કેટલા ડોકટર્સ કાર્યરત છે તેની વિગતો માંગી: 4 નવેમ્બરે વધુ સુનાવણી

અમદાવાદ : રાજ્યના વિવિધ સરકારી કેન્દ્રોમાં ડોકટર, નર્સ અને પેરા મેડિકલ સ્ટાફના કુલ મંજુર કરાયેલા પદ સામે કેટલા પદ પર નિમણૂંક કરવામાં આવી છે એ અંગેનો રિપોર્ટ રજૂ કરવાનો ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ કર્યો છે. આ મામલે વધુ સુનાવણી 4 નવેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે.

ગુજરાત હાઇકોર્ટમાં એડવોકેટ કે આર કોષ્ટી મારફતે દાખલ કરવામાં આવેલી અરજીમાં રજુઆત કરવામાં આવી છે કે રાજ્ય સરકાર દ્વારા સરકારના વિવિધ મેડિકલ કેન્દ્રોમાં ડોકટર, નર્સ અને પેરા મેડિકલ સ્ટાફની સંખ્યા IPHSના (ઇન્ડિયન પબ્લિક હેલ્થ સર્વિસ) ધારા ધોરણ મુજબ છે કે કેમ. ગુજરાત હાઈકોર્ટે સુઓ મોટો અરજીમાં આપેલા ચુકાદામાં અલગ અલગ સરકારી વિભાગમાં કેટલા ડોકટર્સ કાર્યરત છે તેની વિગતો માંગી હતી.

અરજદાર તરફે આક્ષેપ કરવામાં આવ્યો છે કે મહામારીને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફમાં કોન્ટ્રાક્ટ અને ફિક્સ-પે પર કર્મચારીઓની ભરતી કરવામાં આવી રહી છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામુહિક કેન્દ્રો પર વધુ સારી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે તો કોરોના દર્દીઓને પણ સારી રીતે સારવાર આપી શકાશે. જેનાથી મોટા હોસ્પિટલ કેસનો ભાર વધુ ઓછો થશે.

અગાઉ વર્ષ 2018માં ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી હતી જેમાં પ્રાઈમરી હેલ્થ સેન્ટર અને કમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં ડોકટરો, નર્સ અને પેરા મેડિકલ સ્ટાફની સંખ્યા પૂરતી ન હોવાનો આક્ષેપ કરાયો હતો. સરકારી હોસ્પિટલોમાં ઇન્ડિયન પબ્લિક હેલ્થ સ્ટાન્ડર્ડના નિયમોનું પાલન ન કરાતું હોવાનો દાવો કરાયો છે.

(8:35 pm IST)