ગુજરાત
News of Thursday, 29th October 2020

ધારાસભ્ય શશિકાન્ત પંડયા અને કિંજલ દવે સામેનો અહેવાલ આપવા આયોગનો આદેશ

ગુજરાત રાજય માનવ અધિકાર આયોગે બનાસકાંઠા ડીએસપીને કર્યો હુકમ

અમદાવાદ : ભાજપની કેન્દ્ર સરકાર દ્રારા જાહેરમાં માસ્ક પહેરવા તેમ જ સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવા માટે વારંવાર ગાઇડલાઇન બહાર પાડવામાં આવી રહી છે ત્યારે ભાજપના ડીસાના ધારાસભ્ય શશિકાન્ત પંડયા તથા ગાયક કલાકાર કિંજલ દવેએ ઘોડે સવારી કરીને જાહેરમાં સરઘસ કાઢયું હતું. જેના કારણે સોશિયલ ડિસ્ટન્સીંગના ધજિયાં ઉડયા હતા. સાથોસાથ કોરોના સંક્રમણ ફેલાવીને પ્રજાના આરોગ્યને ગંભીર નુકસાન પહોંચાડવા તથા માનવ અધિકારનું હનન કરવા બદલ કાર્યવાહી કરવામાં આવે તેવી ફરિયાદ માનવ અધિકાર પંચ સમક્ષ કરવામાં આવી હતી.

આ ફરિયાદમાં ગુજરાત રાજય માનવ અધિકાર આયોગે બનાસકાંઠા જિલ્લાના પોલીસ અધિક્ષકને તપાસનો અહેવાલ 23મી નવેમ્બર પહેલાં આયોગને પાઠવવા આદેશ કર્યો છે. આ અહેવાલ તેમના સ્પષ્ટ અભિપ્રાય સાથેનો સર્વગ્રાહી મોકલવાની સૂચના આપી છે. સમયમર્યાદામાં અહેવાલ પાઠવવામાં નિષ્ફળ જશો તે આયોગ દ્રારા આગળની કાર્યવાહી કરવામાં આવશે તેવી તાકીદ કરી છે.

સામાજિક કાર્યકર ચંદ્રવદન ધ્રુવે ગાંધીનગર સ્થિત ગુજરાત માનવ અધિકાર આયોગને ઇ મેઇલ મારફતે મોકલેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ભારત સરકારે એપેડેમિક રોગ અધિનિયમ 1993 અંતર્ગત રોગને ફેલાતો રોકવા અને નિયંત્રિત કરવા માટે તમામ રાજય સરકારો દ્રારા જરૂરી પગલાં ભરવામાં આવી રહ્યાં છે. તેના ભાગરૂપે જ પ્રજાને માસ્ક પહેરવા તથા સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવા માટે સલાહ આપે છે. ત્યારે ડેડોલ ગામે ખાત મુર્હુતના જાહેર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમને વધારે પ્રસિધ્ધિ મળે તેના માટે ભાજપના ડીસાના ધારાસભ્ય શશિકાન્ત પંડયાએ ઘોડા પર સવારી કરીને સરઘસ કાઢયું હતું. ત્યાં સુધી કે તેમની સાથે ગાયક કલાકાર કિંજલ દવેને પણ ઘોડા પર સવારી કરાવીને સ્થાનિક વિસ્તારમાં ફેરવવામાં આવી હતી. આ બંનેની હાજરીના કારણે ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જેના કારણે સોશિયલ ડીસ્ટન્સીંગના સરકારના આદેશોનો ખુલ્લેઆંમ ભંગ થયો છે. તો કેટાલંક લોકો માસ્ક પહેર્યા વિના આવ્યા હતા.

સમગ્ર ભારત તથા રાજયમાં જયારે કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે કોરોના ફેલાવનારાને કોઇપણ સંજોગોમાં માફ કરી શકાય નહીં તેવી રાજય સરકાર તરફથી જાહેરાતો કરવામાં આવી રહી છે. બીજી તરફ એક જવાબદાર ધારાસભ્ય હોવાના નાતે કેન્દ્ર અને રાજય સરકારના તમામ કાયદા, નીતિ નિયમોનું ચુસ્તપણે પાલન કરવાની જેમની નૈતિક જવાબદારી છે.

યારે જો તેઓ પોતે જ આ રીતે સરકારના નિયમોનો ભંગ કરે તો આ બાબત ખૂબ જ ગંભીર છે. કાયદો તમામ માટે સમાન છે અને તેનું ઉલ્લંઘન થાય તો તેનો ગુનો અન દંડ પણ તમામને સમાન રીતે લાગુ પડે છે. કાયદાથી કોઇ પર નથી. હાઇકોર્ટે પણ એક ચુકાદામાં ટકોર કરી હતી કે, રાજકીય નેતાઓએ પણ કોરોનાના સંદર્ભમાં તમામ નિયમોનું પાલન કરવું જોઇએ.

આમ આ કેસમાં કેન્દ્ર તથા રાજય સરકાર દ્રારા ઘડવામાં આવેલા નિયમોનું તથા ગુજરાત હાઇકોર્ટની કડક સૂચનાઓનું ખુલ્લેઆંમ ઉલ્લંઘન થયું છે. માત્ર પ્રસિધ્ધિ મેળવવા માટે મોટી સંખ્યામાં ભીડ ભેગી કરીને જાહેર આરોગ્યને ગંભીર નુકસાન કર્યું છે. અને નાગરિકોને મળેલા માનવ અધિકારનું પણ હનન કર્યું છે

જેથી ધારાસભ્ય પંડયા તેમ જ ગાયક કલાકાર કિંજલ દવે ઉપરાંત કાર્યક્રમના આયોજક સહિત જવાબદારો સામે માનવ અધિકાર સંરક્ષણ અધિનિયમ 1993ની જોગવાઇ હેઠળ શિક્ષાત્મક અને દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરી છે.

(8:13 pm IST)