ગુજરાત
News of Thursday, 29th October 2020

ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરમાં મોબાઈલ એપ્લિકેશનની મદદથી આઇપીએલ પર સટ્ટો રમતા યુવાનને પોલીસે ઝડપી 6 હજારથી વધુનો મુદામાલ જપ્ત કર્યો

ગાંધીનગર:જિલ્લાના કલોલ શહેરમાં ગાયત્રી મંદિર પાસે મોબાઈલમાં એપ્લીકેશનની મદદથી આઈપીએલ ક્રિકેટ ઉપર સટ્ટો રમતાં કલોલના યુવાનને શહેર પોલીસે ઝડપી લીધો હતો. જેની પાસેથી છ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે જયારે યુજર આઈડી અને પાસવર્ડ આપનાર શખ્સની પણ શોધખોળ શરૂ કરવામાં આવી છે.  

જિલ્લામાં હાલ આઈપીએલ ક્રિકેટ મેચ ઉપર સટ્ટાની પ્રવૃતિ વધી રહી છે ત્યારે પોલીસ પણ બાતમીદારોને સક્રિય કરી આવા સટોડીયાઓને શોધી રહી છે. ત્યારે કલોલ શહેરમાં પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે ગાયત્રી મંદિર નજીક નાસ્તા હાઉસ પાસે એક ઈસમ આઈપીએલ ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમી રહયો છે જે બાતમીના આધારે પોલીસ ટીમે દરોડો પાડતાં નિલેશ મદનલાલ રાજપૂત રહે.મકાન નં.૧૩, સૃષ્ટી રોહાઉસ, બોરીસણા ગામ કલોલને ઝડપી પાડયો હતો. જેની પાસેથી મોબાઈલ અને રોકડ મળી છ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. જે યુવાનની પુછપરછમાં તેણે મોબાઈલ એપ્લીકેશનમાં સટ્ટો રમવા માટે પ્રભુ નામના શખ્સે યુઝર આઈડી અને પાસવર્ડ આપ્યો હતો. જેથી પોલીસે આ યુવાન સામે પણ ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે. 

(5:45 pm IST)