ગુજરાત
News of Thursday, 29th October 2020

બનાસકાંઠામાં 3.4ની તિવ્રતાનો ભૂકંપનો આંચકોઃ કેન્‍દ્રબિંદુ વાવથી 52 કિ.મી. દૂર પાકિસ્‍તાન તરફ

બનાસકાંઠા: ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છની ધરા વારંવાર ધ્રૂજતી હતી. ત્યારે હવે બનાસકાંઠામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ આંચકો રાત્રે અનુભવાયો હતો. બનાસકાંઠાના વાવ નજીક ભૂકંપનો આંચકો આવ્યો હતો, જે 3.4ની તીવ્રતાનો હતો. રાત્રે 8.50 મિનિટે ભૂકંપનો આંચકો આવ્યો હતો. જેમાં ભૂકંપનું કેન્દ્ર બિંદુ વાવથી 52 કિલોમીટર દૂર પાકિસ્તાની તરફ હતું.

8.50 કલાકે આવેલા આ ભૂકંપનો સમય એવો હતો કે લોકો ઘરમાં જાગતા હતા, તેથી લોક તરત ઘરની બહાર દોડી આવ્યા હતા. બનાસકાંઠાના અનેક જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ત્યારે લોકોએ જીવ બચાવવા ઘરની બહાર દોટ લગાવી હતી.

બનાસકાંઠા ઝોન-3મા આવે છે

ગુજરાતના ભૂકંપના પાંચ ઝોન છે, જે પૈકી બનાસકાંઠા જિલ્લો ભૂકંપના ઝોન-૩માં આવે છે. બનાસકાંઠા જિલ્લામાં અવાર-નવાર હળવા આંચકા નોંધાતાં હોય છે. ગુજરાતમાં ભૂકંપ માટે સૌથી સંવેદનશીલ વિસ્તાર કચ્છ છે. જે ભૂકંપ ઝોન -પમાં આવે છે. ત્યારબાદ ભૂકંપ ઝોન ૪ મા સૌરાષ્ટ્ર સહિતનો વિસ્તાર તેમજ ઝોન ૩ માં બનાસકાંઠા જિલ્લો આવે છે. કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારની સરખામણીએ બનાસકાંઠા જિલ્લામાં ભૂકંપની તીવ્રતા ઓછી હોઇ શકે છે. જિલ્લામાં નોંધાતા ધરતીકંપના આંચકા અંગેની માહિતી ગાંધીનગર સ્થિતિ સિસ્મોગ્રાફી સેન્ટર ખાતેથી મળે છે. સામાન્ય રીતે ભૂકંપ આવે તે બાદ તેના આફટર શોક નોંધાતા હોય છે. જેની તીવ્રતા ઓછી હોય છે.’

(4:55 pm IST)