ગુજરાત
News of Thursday, 29th October 2020

નાંદોદના વડીયા ગામના મુખ્ય માર્ગ પરના પાણીના હોઝનો નળ વારંવાર તૂટી જતા માર્ગ પર ગંદકીનું સામ્રાજ્ય

જાનવરોને પાણી પીવા માટે બનાવેલા હોઝના નળમાંથી કેળા ભરવા જતા વાહનો વાળા પાણી લેતા હોય વારંવાર નળ તોડી નાંખતા હોવાનો ત્રાસ :

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળાને અડીને આવેલા વડીયા ગામના મુખ્ય માર્ગ ઉપર આવેલા પાણીના હોઝના નળ કેળા ભરવા આવતી ટ્રકો કે અન્ય વાહનોના મજૂરો તોડી નાંખતા હોય હાલ લગભગ અઠવાડિયાથી ત્યાં તુટેલા નળનું પાણી આખા માર્ગ ઉપર વહેતુ હોવાથી કીચડ અને ભારે ગંદકી જોવા મળે છે.ત્યારે એ તરફ બનેલી અસંખ્ય સોસાયટીઓમાં રહેતા લોકોને આવવા જવામાં ભારે મુશ્કેલી વેઠવી પડતી હોવાનું જાણવા મળ્યું છે.

  એક તરફ વડીયા ગ્રામ પંચાયતના જાગૃત હોદ્દેદારો ઘણા સારા કાર્યો પંચાયત થકી અથવા સ્વખર્ચે કરતા જોવા મળે જ છે ત્યારે આ હોઝ પરના નળ પણ વારંવાર નવા નાખ્યા છે છતાં બે ચાર દિવસમાં જ લોકો નળ તોડી નાંખતા હોય હાલ હોદ્દેદારો પણ ત્રાસી ચુક્યા છે અને આ માટે અન્ય કોઈ વિકલ્પ ઉભો કરી જાનવરોને અને અન્ય જરૂરિયાતમંદોને પાણી પણ મળે અને નળને પણ નુકસાન ન થાય તે બાબતની તૈયારી કરી રહ્યા છે.

 આ બાબતે વડીયા ગ્રામ પંચાયતના જાગૃત સદસ્ય ચંદેશભાઈએ જણાવ્યું કે આ તરફ જતી કેળાની ટ્રકો કે ટેમ્પા વાળા પાણીનો ઉપયોગ કરતા હોય અવારનવાર અહીંનો નળ તોડી ચુક્યા છે અત્યારસુધીમાં અમે 40 જેવા નવા નળ નાખ્યા હોય હવે અન્ય કોઈ વિકલ્પ ઉભો કરીશું.

(10:29 pm IST)