ગુજરાત
News of Thursday, 29th September 2022

પીએમ મોદીએ નેશનલ ગેમ્સનું કર્યુ ઉદ્ઘાટન: રાજ્યના 6 શહેરોમાં નેશનલ ગેમ્સનો પ્રારંભ

વડાપ્રધાન મોદીએ ગુજરાત સરકારને આ ભવ્ય આયોજન બદલ અભિનંદન પાઠવ્યા. પીએમ મોદીએ જણાવ્યુ કે માત્ર 100 દિવસની ડેડ લાઈનમાં આ આયોજન શક્ય બન્યુ

અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી વડાપ્રધાન મોદીએ 36મી નેશનલ ગેમ્સનો પ્રારંભ કરાવ્યો છે. આ સ્ટેડિયમ ખાતે રંગારંગ કાર્યક્રમ સાથે આ ઉદ્દઘાટન સમારોહનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. અહીં દેશની ભાતિગળ સંસ્કૃતિની ઝલક પણ જોવા મળી હતી. પીએમ મોદીએ સૌપ્રથમવાર ગુજરાતમાં  આયોજિત થઈ રહેલી 36મી નેશનલ ગેમ્સનો પ્રારંભ કરાવ્યો છે. આ રમતોત્સવના ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાતી સંસ્કૃતિની ઝાંખી પણ જોવા મળી છે. અહીં ગરબા સહિત વિવિધ નૃત્યનું આયોજન કરવામાં આવ્યુ છે.

આ પ્રસંગે તેમના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ ગુજરાત સરકારને આ ભવ્ય આયોજન બદલ અભિનંદન પાઠવ્યા. પીએમ મોદીએ જણાવ્યુ કે માત્ર 100 દિવસની ડેડ લાઈનમાં આ આયોજન શક્ય બન્યુ છે. આ પ્રસંગે તેમણે જણાવ્યુ કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે બનેલુ સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પલેક્સ દેશનું સૌપ્રથમ એવુ સ્પોર્ટ્સ એન્કલેવ છે જ્યાં માત્ર 8,10 રમતો નહીં, પરંતુ એકસાથે અનેક રમતોનું આયોજન થઈ શકે તેવી સુવિધાથી ઉપલબ્ધ છે.

સરદાર પટેલ સ્પોર્ટસ્ કોમ્પલેક્સ અને એન્કલેવ અનોખુ છે. અહીં ફુટબોલ, હોકી, બાસ્કેટ બોલ, કબડ્ડી, બોક્સિંગ, લોન ટેનિસ જેવી અનેક રમતોની સુવિધા એકસાથે ઉપલબ્ધ છે. આ સમગ્ર દેશ માટે એક મોડેલ છે. પીએમ મોદીએ જણાવ્યુ કે જ્યારે આ પ્રકારનું ઈન્ફ્રાસ્ટક્ચર હોય છે ત્યારે ખેલાડીઓનું મનોબળ પણ બમણુ થઈ જાય છે. પીએમ જણાવ્યુ કે ખેલાડીઓ આ કોમ્પલેક્સનો પુરો લાભ લઈ શકશે.

પીએમ મોદીએ અહીં ખેલાડીઓને પ્રેરણા આપતુ સૂત્ર પણ આપ્યુ હતુ. તેમણે કહ્યુ જ્યારથી શરૂઆત કરી ત્યારથી જ તમારી સફળતાની શરૂઆત થઈ ગઈ. વડાપ્રધાને જણાવ્યુ કે આ નેશનલ ગેમ્સ ખેલાડીઓ માટે લોન્ચિંગ પેડનું કામ કરશે.

(8:48 pm IST)