ગુજરાત
News of Wednesday, 29th September 2021

વડોદરાના સંગમ ચાર રસ્તા નજીક આવેલ સોસાયટીમાં નિંદ્રાધીન જવેલર્સ સંચાલકના મકાનને નિશાન બનાવી તસ્કરોએ 1.82 લાખની માતાની ઉઠાંતરી કરી

વડોદરા: શહેરના સંગમ ચાર રસ્તા નજીક આવેલી સંગમ સોસાયટીમાં નિંદ્રાધીન જ્વેલર્સ સંચાલકના મકાનને નિશાન બનાવી ત્રાટકેલા તસ્કરો બારીની ગ્રીલ તોડી મકાનમાં પ્રવેશી રોકડા રૂપિયા અને ઘરેણાં મળી 1.82 લાખની મત્તા ચોરી નાસી છૂટ્યાનો બનાવ વારસિયા પોલીસ મથકે નોંધાયો છે.

વડોદરા શહેરના હરણી રોડ ઉપર આવેલી સંગમ સોસાયટી મકાન નંબર 97 માં રહેતા જીગરભાઈ સોની માંજલપુર ગામ ખાતે જ્વેલર્સની દુકાન ધરાવે છે  સોમવારે રાત્રે મકાનને તાળું મારી ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ફરિયાદીના દાદી તથા ઉપરના માળે પરિવાર જમી પરવારી સૂઈ ગયો હતો. બીજા દિવસે વહેલી સવારે મંદિરના પૂજા રૂમનો દરવાજો ખુલ્યો ન હતો. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, પૂજા રૂમની બારીની ગ્રીલ તોડી મકાનમાં પ્રવેશેલા અજાણ્યા તસ્કરો નાની તિજોરી, સોના-ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા ભરેલા પર્સની ચોરી કરી નાસી છૂટયા હતા. જેમાં છ તોલાનો સોનાનો હાર, હાથના સોનાના પાંચા, નાકની વાળી, સોનાની લગડી, સોનાની ચેન, રોકડા રૂપિયા 17 હજાર મળી કુલ 1.82 લાખની મત્તાનો સમાવેશ થાય છે.

(6:04 pm IST)