ગુજરાત
News of Wednesday, 29th September 2021

આણંદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ભરચોમાસે પીવાના પાણીની સમસ્યાથી અરેરાટી

આણંદ જિલ્લામાં એક તરફ ચોમાસુ સીઝનના માહોલને લઇને જળસ્ત્રોતોમા પાણીની નવી આવક થઇ છે. ત્યારે બીજી તરફ અંતરિયાળ વિસ્તારમાં પાણીની બુમો ઉઠવા પામી છે. સાતેય તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા કાર્યરત કરાયેલા હેન્ડપંપો પૈકી ગત સપ્તાહે તંત્રને ૨૪ ફરિયાદો મળી છે.

ઓછો વરસાદ તેમજ પાણીની તંગી ધરાવતા કેટલાક વિસ્તારોના રહીશોની પાણીની દૈનિક અનિવાર્યતાને પહોંચી વળવા જળસ્ત્રોતના વિકલ્પ તરીકે પાણી પુરવઠા વિભાગ દ્વારા જે-તે તાલુકાઓમાં નાગરિકોની જરૂરિયાત અને માંગણી મુજબ હેન્ડપંપો કાર્યરત કરાયા છે. જેને લઇને તળાવ, કૂવા, નદી જેવા જળસ્ત્રોતો, ગ્રામ્ય-સીમ વિસ્તારમા નળ કનેકશન નહી ધરાવતા રહીશો પાણી માટે હેન્ડપંપો ઉપર નિર્ભર રહે છે. જોકે કેટલાક કિસ્સાઓમા હેન્ડપંપોમા જળસ્તર નીચા જવા, પાઇપમાંથી રેતી કે માટી આવવી, મશીનરીમાં યાંત્રિક ખામી સર્જાવી, હેન્ડલ તુટી જવા કે અન્ય કોઇ પણ પ્રકારની ક્ષતિ સર્જાવાને લઇને પાણી પુરવઠો બંધ થઇ જતાં  નાગરિકો દ્વારા તંત્રને જાણ કરવામા આવે છે. ત્યારે આણંદ જિલ્લામા હાલમાં વરસાદી માહોલને લઇને કુદરતી-કુત્રિમ જળસ્ત્રોતો, ખેતર-સીમ વિસ્તારોમા નવા જળ આવ્યા  છે. ત્યારે ત્યારે અમુક વિસ્તારમાં બંધ હેન્ડપંપોને લઇને જે-તે વિસ્તારના રહીશોને પાણી વિના ટળવળવુ પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. 

ગત સપ્તાહમા તંત્રને તમામ તાલુકામાંથી બંધ હેન્ડપંપની ૨૪ ફરિયાદો મળતા તજજ્ઞા ટીમ દ્વારા અસરગ્રસ્ત સ્થળોએ પહોંચીને ૧૮ ફરિયાદોને નિકાલ કરવામા આવ્યો હોવા સહિત ૬ ફરિયાદોનુ નિરાકરણ બાકી હોવાનું ફરજ પરના કર્મચારીએ જણાવ્યુ છે.

 

(6:02 pm IST)