ગુજરાત
News of Tuesday, 29th September 2020

સુરતમાં 4 કરતા વધારે લોકો ભેગા થવા પર પ્રતિબંધ :સરઘસ કાઢવા પર પાબંધી લગાડાઇ: પોલીસ કમિશનરનો મોટો નિર્ણંય

કોરોના મહામારીનું સંક્રમણ અટકાવવા માટે પોલીસ કમિશનર અજયકુમાર તોમરનું જાહેરનામું: 30 સપ્ટેમ્બરથી 14 ઓક્ટોબર સુધી લાગુ પડશે.

સુરતમાં કોરોના વાયરસના કેસમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે સુરતમાં કોરોના મહામારીનું સંક્રમણ અટકાવવા માટે સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમરે એક પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં સુરત શહેરમાં 4 કરતા વધારે લોકો ભેગા કરવા નહીં અને સરઘસ કાઢવા પર પણ પ્રતિબંધ લગાડી દેવામાં આવ્યું છે. આ જાહેરનામું 30 સપ્ટેમ્બરથી 14 ઓક્ટોબર સુધી લાગુ પડશે.

રાજયમાં કોરોના વાયરસના કેસમાં દિવસે દિવસે વધારો જોવા મળી રહ્યો છે. કોરોના વાયરસ સામે સાવચેતી રાખવા માટે સરકાર દ્વારા લોકોને અપીલ પણ કરવામાં આવી રહી છે. જાહેરમાં નિકળતા પહેલા માસ્ક પહેરવું પણ ફરિજયાત કરી દીધું છે અને સોશિયલ ડિસ્ટન્સ જાણવવા માટે પણ અપીલ કરી છે. જો કે, સુરતમાં કોરોનાના કેસ સતત વધતા તંત્ર હરકતમાં આવી ગયું છે. આ અંગે સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમરે એક જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં જણાવ્યું હતું કે, પરવાનગી સિવાય જાહેર જગ્યા ઉપર ચાર કે ચાર કરતા વધારે માણસોએ ભેગા થવું નહી તેમજ કોઈ સભા ભરવી કે બોલાવવી નહી. કોઈ પણ જાતની સભા-સરઘસ કાઢવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ જાહેરનામાનો ભંગ કે ઉલંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતમાં કોરોનાના કેસોમાં દિન પ્રતિદિન સતત વધારો જોવા મળી રહ્યો છે. લોકો માર્કેટ કે કોઈ પણ જગ્યાએ ટોળે ટોળા ભેગા થતા હોય છે અને તે લોકોના મોઢા પર ના તો માસ્ક હોય છે નાહીં તે લોકો સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે છે. સુરતમાં APMC માર્કેટ પાસે ટોળા ઉમટ્યા હતા અને શાક માર્કેટમાં કોવિડના નિયમોનું ઉલંઘન કરવામાં આવ્યું હતું. તથા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો.

(12:43 am IST)