ગુજરાત
News of Tuesday, 29th September 2020

સંભવિત ઉમેદવારો અંગે કોંગીમાં બેઠકનો ધમધમાટ

કેન્દ્રિય નિરીક્ષકની હાજરીમાં ચર્ચા થઇ : ત્રીજી નવેમ્બરે યોજાનાર પેટા ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસમાં ચૂંટણીલક્ષી બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ગયો

અમદાવાદ,તા.૨૯ : ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠકની ૩જી નવેમ્બરે યોજાનારા પેટા ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસમાં ચૂંટણીલક્ષી બેઠકોનો ધમધમાટ ચાલુ થઈ ગયો છે. જેમાં કોંગ્રેસમાં સંભવિત ઉમેદવારોની ચર્ચા થઈ હતી. રાજ્યસભાની ચૂંટણી દરમિયાન ગઢડા, લીંબડી, ડાંગ, ધારી, કરજણ, મોરબી, અબકાસા અને કપરાડામાં બે તબક્કામાં કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામા આપતા પેટા ચૂંટણી યોજાઈ રહી છે. કોંગ્રેસમાં આજે દિવસ દરમિયાન સંભવિત ઉમેદવારો અંગે ચર્ચા વિચારણા ચાલી હતી. જેમાં દરેક બેઠકમાં શોર્ટ લીસ્ટ કરી પ્રથમ તબક્કામાં પાંચ નામો પર ચર્ચા થઈ હતી. બેઠકનો દોર હજુ બુધવારે પણ ચાલશે. પ્રદેશ પ્રમુખ અમીત ચાવડા, કેન્દ્રીય નીરીક્ષક રાજીવ સાતવની અને અન્ય સભ્યની હાજરીમાં યોજાયેલી બેઠખમાં ચર્ચા થઈ હતી. જેમાં કરજણ બેઠક માટે પૂર્વ પ્રદેશમાંથી કિરીટ સિંહ જાડેજા, વડોદરા જિલ્લા પંચાયત સમિતિના ચેરમેન નીલાબેન ઉપાઘ્યાય, વડોદરા જિલ્લા મહામંત્રી, ભાસ્કર ભટ્ટ, ધર્મેશ પટેલ અને રીતેશ પટેલના નામ પર ચર્ચા થઈ હતી.

બેઠક પર અક્ષય પટેલે રાજીનામુ આપતા ખઆલી પડી હતી. ગઢડા વિધાનસભા માટે પૂર્વ મંત્રી મોતીભાઈ ચાવડાના દીકરા જગદીશ ચાવડા, જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના પ્રમુખ ડીજે સોસા, એસપી સેલના પ્રમુખ મોહનભાઈ સોલંકી, પૂર્વ સનદી અધિકારી નટુભાઈ ચાવડાના નામ પર ચર્ચા થઈ હતી. ડાંગ બેઠક માટે આદિવાસી સમાજનો શિક્ષિત ચહેરો સૂર્યકાન્ત ગાવીત, તાલુકા પંચાયત સભ્ય મુકેશ પટેલ, જિલ્લા પંચાયતના સભ્ય ચંદર ગામીત, વધઈ ગ્રામ પંચાયત અને પૂર્વ ધારાસભ્યના ભત્રીજા મોહન અને પૂર્વ ધારાસભ્યના પુત્ર ગમન ગોયાના નામ પર ચર્ચા થઈ હતી. કોંગ્રેસમાં તમામ બેઠકોના ઉમેદવારો પરની ચર્ચા પૂર્ણ થયા બાદ તમામ બેઠકોની પેનલો તૈયાર કરી હાઈ કમાન્ડ મોકલાશે. આવતીકાલે ફરી નીરીક્ષકોની સાથે બેઠક યોજાશે. ઈલેક્શન કમિટીમાં નામો પર ચર્ચા બાદ પેટા ચૂંટણીના ઉમેદવારોના નામની જાહેરાત કરાશે.

(9:35 pm IST)