ગુજરાત
News of Tuesday, 29th September 2020

અરવલ્લી જીલ્લામાં સફાઈ કામદારોનો અનોખો વિરોધ : ભજન કરી ન્યાયની માંગ: 8 થી વધુ લોકોની અટકાયત

પશુ દવાખાનામાં આઉટ સોર્સિંગ પર કામ કરતા 25થી વધુ સફાઈ કામદારોને છૂટા કરતા ન્યાયની માંગણી

મોડાસા: કોરોના મહામારીમાં અસંખ્ય લોકોની રોજીરોટી છીનવાઈ ગઈ છે. અરવલ્લી જીલ્લામાં પશુ દવાખાનામાં આઉટ સોર્સિંગ પર કામ કરતા 25થી વધુ સફાઈ કામદારોને છૂટા કરતા જિલ્લા કલેક્ટર, જીલ્લા વિકાસ અધિકારી તેમજ જિલ્લા પશુપાલન અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી. સફાઈ કામદારોને ન્યાય નહિ મળતા સહપરિવાર જીલ્લા કલેકટર કચેરી બહાર ન્યાયની માંગ સાથે ભજન મંડળી યોજી ન્યાયની માંગ કરતા લોકોના ટોળેટોળા અનોખો વિરોધ જોવા ઉમટ્યા હતા સફાઈ કામદારોના અનોખો વિરોધ પણ અધિકારીઓ સહન કરી ન શકતા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ તાબડતોડ પહોંચી ભજન કરી રહેલ સફાઈ કર્મીઓને અટકાયત કરતા સફાઈ કર્મચારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણની સ્થિતી પેદા થઇ હતી પોલીસે 8 થી વધુ લોકોની અટકાયત કરી હતી.

અરવલ્લી જિલ્લાના વિવિધ પશુ દવાખાનાઓમાં સફાઈ કામદાર તરીકે કામ કરતા 25 થી વધારે કર્મચારીઓને છેલ્લા કેટલાક મહિનાઓથી છૂટા કરતા તેઓ બેરોજગાર બન્યા છે. કર્મચારીઓને છૂટા કરતા તેઓને ઘરમાં ખાવાના ફાંફા પડી રહ્યા છે. ત્યારે ન્યાયની માંગ સાથે કોરોના કહેર વચ્ચે અરવલ્લી જિલ્લા કલોક્ટર કચેરી ખાતે અનોખો વિરોધ જોવા મળ્યો હતો. વાલ્મિકી સંગઠનના આગેવાન અને સફાઇકામદારોએ કલેક્ટર કચેરી બહાર જ ભજન મંડળી યોજી વિરોધ પ્રદર્શન કર્યો હતો. આ પ્રકારનો અરવલ્લી જિલ્લામાં પ્રથમવાર વિરોધ જોવા મળ્યો હતો

 . વાલ્મિકી સંગઠનના પ્રમુખ લાલજી ભગતની આગેવાનીમાં સફાઇ કામદારોએ ભજન ગાઇને વિરોધ કર્યો હતો, જેને જોવા માટે અહીં આવતા અરજદારો પણ ટોળું વળીને ભજન સાંભળતા નજરે પડ્યા હતા. મહત્વનું છે કે જિલ્લાના વિવિધ પશુ દવાખાનાઓમાં આઉટ સોર્સીંગથી ફરજ બજાવતા 25 થી વધુ કર્મચારીઓને છેલ્લા કેટલાય મહિના થી છુટ્ટા કરી દેવામાં આવતા તમામ કર્મચારીઓના પરિવાર પર જાણે આભ તૂટી પડયું હોય તેવું લાગી રહ્યું છે. આખરે કલેક્ટર કચેરીએ ટાઉન પૉલિસ પહોંચી હતી અને એક બાળકી સહિત 8 લોકોની અટક કરી હતી પોલીસે વાજિત્રા સહિતના વાદ્યો પણ જપ્ત કર્યા હતા

(6:46 pm IST)