ગુજરાત
News of Tuesday, 29th September 2020

સુરતમાં દલાલ મારફતે 21.50 લાખની સાડી મંગાવી તમિલનાડુના પિતા-પુત્રએ છેતરપિંડી કરતા ફરિયાદ દાખલ

સુરત: શહેરના દલાલ મારફતે રૂ.21.50 લાખની સાડી મંગાવી તમિલનાડુના સેલમમાં વેપાર કરતા રાજસ્થાની પિતા-પુત્રએ 30 થી 60 દિવસમાં પેમેન્ટનો વાયદો કરી પેમેન્ટ ચુકવ્યું ન હતું અને ઉઘરાણીના સમયે ધાકધમકી આપી દુકાન બંધ કરી ઉઠમણું કરી ફરાર થઈ ગયા હતા. આ અંગે દલાલે પિતા-પુત્ર વિરુદ્ધ સલાબતપુરા પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ, સુરતના ગોડાદરા મહારાણા પ્રતાપ ચોક વ્રજધામ સોસાયટી ઘર નં.142 ના બીજા માળે રહેતા 38 વર્ષીય સજ્જનસિંહ બદરીસિંઘજી સિસોદીયા રીંગરોડ એસ.ટી.એમ પાર્કિંગ પ્રોજેક્ટ માર્કેટમાં દુકાન નં.232 માં અંકીતા એજન્સીના નામે કાપડ દલાલીનું કામ કરે છે. મૂળ રાજસ્થાનના પાલીના વતની અને તમિલનાડુમાં સેલમમાં એલેમપલ્લી સીકેવીપી થિયેટર રોડ 644 ખાતે શ્રી સાંઇ સિલ્કસના નામે કાપડનો વેપાર કરતા પિતા-પુત્ર જીવારામ લોહાર- દેવારામએ ગત 22 ડિસેમ્બર 2018 થી 16 સપ્ટેમ્બર 2019 દરમિયાન સજ્જનસિંહ પાસેથી સાડીનો માલ મંગાવતા સજ્જનસિંહે તેમની અલગ-અલગ વેપારી પાર્ટીઓ પાસેથી કુલ રૂ.21,50,273 ની કિંમતની સાડીનો જથ્થો પિતા-પુત્રને સેલમ મોકલ્યો હતો. પેમેન્ટ માટે 30 થી 60 દિવસનો વાયદો હોવા છતાં પિતા-પુત્રએ સમયસર પેમેન્ટ કર્યું ન હતું.

(5:22 pm IST)