ગુજરાત
News of Tuesday, 29th September 2020

અમદાવાદમાં કોરોનાનો ફરી ફુંફાડો શરૂ થયાનો તજજ્ઞોનું અનુમાનઃ લોકોની બેદરકારી ભારે પડી રહી છે

અમદાવાદ: અમદાવાદમાં કોરોનાનો સેકન્ડ વેવ શરૂ થયો હોવાનું તજજ્ઞોનું અનુમાન છે. અમદાવાદ પૂર્વ કરતા અમદાવાદ પશ્ચિમ વિસ્તારમાં કોરોનાના કેસો વધ્યા તેવુ અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિયેશન (AHNA) ના પ્રમુખ ડોક્ટર ભરત ગઢવીએ જણાવ્યું. એટલુ જ નહિ, આ એસોસિયેશને જ અમદાવાદમાં ખાણીપીણીની દુકાન અને લારી સાંજે 6 વાગ્યા બાદ બંધ કરવામાં આવે તેવું સૂચન કર્યું હતુ.

અમદાવાદની હોસ્પિટલો હાઉસફુલ

AHNA ના પ્રમુખ ડો. ભરત ગઢવીએ લોકોને વિનંતી કરી કે, કોરોના સામે લડવા માટે સંયમ જરૂરી છે. એવામાં લોકો બહાર ફરવાનું અને ખાવાનું ટાળે. ફરી એકવાર અમદાવાદમાં કોરોનાના કેસ એક દિવસમાં 200ને પર જતાં લોકોની ઊંઘ ઉડી છે. કોરોનાના દર્દીઓની સારવાર કરતી ખાનગી હોસ્પિટલો લગભગ હાઉસફુલ જેવી સ્થિતિમાં છે. ખાનગી હોસ્પિટલમાં 90% થી વધુ વેન્ટિલેટર સાથેના બેડ ભરાઈ ગયા છે. અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં વેન્ટિલેટર સપોર્ટ સિવાયના ICUમાં 50 જેટલા જ બેડ જ ખાલી છે.

અમદાવાદીઓ નિષ્કાળજી બતાવે છે

આવામાં હવે અમદાવાદીઓને સમજવાની જરૂર છે કે, લોકોએ ટોળા વળીને બેસવાનું બંધ કરવું પડશે. કોરોના થયો તો હવે સરકારી હોસ્પિટલમાં ફરજીયાત સારવાર લેવી પડે તેવી સ્થિતિ તરફ અમદાવાદ આગળ વધ્યું છે. એક સમયે અમદાવાદમાં સતત 300 કેસ નોંધાતા હતા, ત્યાર બાદ સ્થિતિ નિયંત્રણમાં આવી હતી અને રોજના 150ની આસપાસ કેસો નોંધાતા હતા. પરંતુ શહેરીજનોની નિષ્કાળજી અને લાપરવાહીએ સૌ કોઈની ઊંઘ ઉડાવી છે. અમદાવાદમાં ફરી એકવાર કોરોનાના દૈનિક કેસો 200ને પર પહોંચ્યા છે. છેલ્લા 10 દિવસથી અમદાવાદમાં કોરોનાના કેસો વધતા સ્થિતિ વણસી છે.

અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિયેશન (AHNA) મુજબ, અમદાવાદમાં કોરોનાની સારવાર આપતી ખાનગી હોસ્પિટલોમાં વેન્ટિલેટર સપોર્ટ સાથેના ICU કેટેગરીમાં અંદાજે 10 ટકા જ બેડ ખાલી છે. અમદાવાદમાં કોરોનાની સારવાર આપતી ખાનગી હોસ્પિટલમાં 1,820માંથી માત્ર 304 બેડ જ ખાલી છે.

(4:51 pm IST)