ગુજરાત
News of Tuesday, 29th September 2020

ડેટિંગ એપ બની શકે છે ચિટિંગ એપ

અમદાવાદમાં ઓનલાઈન ડેટિંગ એપ ટીન્ડર મારફત વેપારીને હની ટ્રેપમાં ફસાવ્યા : મિત્રની તલાશમાં અનેક છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે પણ આબરૂ જવાના ડરથી ભાગ્યે જ થતી ફરિયાદઃ જાહેરમાં બીભત્સ ચેનચાળા કરતી લલના અને આવી એપ્લિકેશનમાં કોઈ તફાવત નથી

રાજકોટ, તા.૨૯:અમદાવાદમાં તાજેતરમાં સામે આવેલા એક હની ટ્રેપના કિસ્સાએ ખાસી ચર્ચા જગાવી છે. સેટેલાઈટમાં વિસ્તારના વેપારીને ઓનલાઈન ડેટિંગ એપ ટીન્ડરથી ફસાવી ગેંગે તેમની પાસેથી નાણાંની માંગણી કરી હતી.જોકે પોલીસને આ ગેંગને ઝડપી પાડવામાં સફળતા મળી છે.જેની પૂછપરછમાં એવી વાત સામે આવી હતી કે, આ ગેંગ ટીન્ડર એપની મદદથી લોકોને ફસાવતી હતી.અને પોલીસ તેમના પહોંચે તે પૂર્વે સાત લોકોને ફસાવી ચૂકયાંનું કબુલ્યું હતું.

આજકાલ યુવાનોમાં ડેટિંગ એપની લોકપ્રિયતા ખુબજ વધી ગઈ છે.આ એપ મારફત યુવાનો પોતાના માટે પાર્ટનરની શોધમાં રહે છે.પણ તેમનો એ વાતનો ખ્યાલ નથી રહેતો તેમની આ શોધનું પરિણામ કયારેક દ્યાતક પણ સાબિત થઈ શકે છે.આ ડેટિંગ એપનો કેટલાક લોકો ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપવા ઉપયોગ કરે છે.અને આવી એપ્લિકેશન મારફત તેઓ આસાનીથી પોતાના ઇરાદાને અંજામ સુધી પહોંચાડી શકે છે.

ડેટિંગ એપ્લિકેશનથી હનીટ્રેપ જેવા કાંડમાં ફસવાનો ખતરો તો રહે છે, પણ સાથોસાથ એ વાત પણ તેટલી જ સાચી છે, આવી એપ યુઝ કરતા હોઈ તો તમારી કોઈ અંગત બાબત ખાનગી નહીં રહે.તાજેતરમાં નોર્વે કન્ઝયુમર કાઉન્સિલે પોતાના રિસર્ચમાં સ્પષ્ટપણે કહ્યું હતું કે, ટીન્ડર જેવી ડેટિંગ એપનો ઉપયોગ કરનાર યુઝર્સની ખાનગી માહિતી તેમનો ડેટા જાહેરખબર સાથે જોડાયેલી કંપનીને આપી દેવામાં આવ્યો હતો.

ટેકનોલોજી આંગણીના ટેરવે થઈ ગયા બાદ લોકોને સુવિધા મળી છે પણ સાથોસાથ તેના લીધે મુશ્કેલીઓ પણ તેટલી જ વધી છે.આપણે અહીં સાયબર ક્રાઈમ પર ચર્ચાને બાજુએ રાખીએ પણ આજે માત્ર ડેટિંગ એપ્લિકેશન મારફત લોકોને ફસાવવા માટે જે ટોળકીઓ સક્રિય છે તેની વાત કરીએ તો છેલ્લા થોડા સમયથી આવી ટોળકીઓના કારનામા વારંવાર પ્રગટ થઈ રહ્યા છે.આ મુદ્દે મોટાભાગના કિસ્સાઓમાં વાત પોલીસ ફરિયાદ સુધી પહોંચતી નથી તેનું કારણ એ છે કે ભોગબનારને સમાજમાં તેની આબરૂ જવાનો ડર સતાવતો હોઈ છે.પરિણામ સ્વરૂપ આવી ટોળકીની હિમતમાં વધારો થાય છે.અને ફરિયાદ ન થવાના લીધે પોલીસની પણ કોઈ ભૂમિકા રહેતી નથી.

એક દ્રષ્ટિએથી જોઈએ તો રોડ પર જાહેરમાં બીભત્સ ચેનચાળા કરતી લલના અને આવી એપ્લિકેશનમાં કોઈ તફાવત નથી.પણ જાહેરમાં લલના સાથે વાત કરતા ખચકાટ અનુભવનાર વ્યકિત આવી એપ મારફત પોતાની ઈચ્છા વ્યકત કરવામાં કોઈ નાનપ અનુભવતા નથી.પ્રાથમિક રીતે બધું યોગ્ય જ જણાતું હોઈ છે.પણ જેમ જેમ ઊંડા ઉતરીએ તેમ તેમ જાળ બિછાવી ફસાવવાનું કાવતરૃં શરૂ થાય છે.

આપણે અહીં પોલીસ સાઇબર ક્રાઇમને લઇ છેલ્લા થોડા સમયથી સતર્ક બની છે.પણ સાઇબર ક્રાઇમનો વ્યાપ જોતા હજુ આવા ગુનાઓને અટકાવવા પોલીસને લાંબી મજલ કાપવી પડે તેમ છે.ત્યારે આ સ્થિતિમાં આપણે જ આ બાબતે સાવધ રહીએ તો આવી ટોળકીનો શિકાર થતા બચી શકીએ.પણ હજુ લોકોમાં જરૂરી જાગૃતતા આવી નથી માટે ડેટિંગ એપ કે સોશિયલ એપથી છેતરપિંડીથી લઇ અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓના કિસ્સાઓ બનતા રહેવાના.

(3:30 pm IST)