ગુજરાત
News of Tuesday, 29th September 2020

બોર્ડની પૂરક પરીક્ષાના પ્રથમ દિવસે 8471 વિદ્યાર્થીઓ ગેરહાજર

ભૂગોળના પ્રશ્નપત્રમાં 5573 માંથી 906 વિદ્યાર્થીઓ, ગુજરાતીમાં 345 માંથી 24 અને અંગ્રેજીમાં 7450 વિદ્યાર્થીઓ ગેરહાજર

અમદાવાદ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહની માર્ચ માસની પરીક્ષામાં એક અથવા બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પુરક પરીક્ષા ગઈકાલથી શરૂ કરવામાં આવી છે. પ્રથમ દિવસે જ 8471 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ગેરહાજર રહ્યા છે.

બોર્ડના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ ભૂગોળના પ્રશ્નપત્રમાં 5573 માંથી 906 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. ગુજરાતીમાં 345 માંથી 24 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. માર્ચની પરીક્ષામાં સૌથી વધુ વિદ્યાર્થીઓ અંગ્રેજી વિષયમાં નાપાસ થયા હતા અને તેના કારણે અંગ્રેજી વિષયની પરીક્ષા પૂરક પરીક્ષા માટે 53622 વિદ્યાર્થીઓ નોંધાયા છે. તે પૈકી 44272 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 7450 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. સંસ્કૃતમાં માત્ર ત્રણ વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા માટે નોંધાયા છે અને તેમાંથી બે વિદ્યાર્થીઓએ કાલે પરિક્ષા આપી હતી. ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં અત્યાર સુધી માત્ર એક વિષયમાં નાપાસ થયા હોય તેવા વિદ્યાર્થીની પૂરક પરીક્ષા લેવામાં આવતી હતી પરંતુ કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓનું વર્ષ ન બગડે તે માટે વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 10 ની માફક ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં પણ એક અથવા બે વિષય મા નાપાસ થયા હોય તેવા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાવી જોઈએ તેવી પ્રબળ માગણી ઉઠવા પામી હતી. તેના કારણે ચાલુ વર્ષે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં પણ બે વિષયની પૂરક પરીક્ષા લેવામાં આવી છે ધોરણ 10 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પૂરક પરિક્ષાના પરિણામો થોડા સમય પહેલાં જાહેર કરવામાં આવ્યા છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પુરક પરીક્ષાનું પરિણામ માત્ર 8 ટકા અને ધોરણ 10 ની પુરક પરીક્ષાનું પરિણામ માત્ર 9 ટકા આસપાસ આવ્યું હોવાથી તેની સીધી વિપરીત અસર ધોરણ 12 સામાન્ય પ્રવાહની પુરક પરીક્ષામાં વિદ્યાર્થીઓની સંખ્યા પર જોવા મળી રહી છે. વધુ એક વખત નાપાસ થઈશું તેવા ભયને કારણે મોટાભાગના વિદ્યાર્થીઓ પરીક્ષાથી દૂર રહેતા હોવાનું જણાય રહ્યું છે.

(11:28 am IST)