ગુજરાત
News of Tuesday, 29th September 2020

અમદાવાદ મનપાએ નવ ખાનગી કોવીડ હોસ્પિટલોને 6,40 કરોડ ચૂકવ્યા: હેલ્થ વિભાગ પાસે માહિતી નથી: RTIમાં થયો ઘટ્સ્ફોટ

ઉત્તર ઝોનમાં 9 ખાનગી હોસ્પિટલો સાથે એમઓયુ કર્યાનું કબૂલ કર્યું: આ હોસ્પિટલોને 20 ઓગસ્ટ સુધી 6.40 કરોડ ચુકવાયા હોવાનો પણ સ્વીકાર કર્યો: સારવાર લેનારા દર્દીઓની માહિતી ન મળતા તર્કવિતર્ક

અમદાવાદઃ કોરોનાની મહામારીને પગલે અમદાવાદની ઘણી હોસ્પિટલોને કોવિડ હોસ્પિટલોમાં ફેરવામાં આવી હતી પરંતુ હવે RTIમાં એવો ઘટ્સ્ફોટ થયો છે કે AMCની 9 કોવિડ હોસ્પિટલોમાં સારવાર લેનારા દર્દીઓની હેલ્થ વિભાગ પાસે માહિતી નથી. પરંતુ ત્યાં 6.40 કરોડ રુપિયા ખર્ચ કરાયાની માહિતી છે.

અમદાવાદની એસ.વી.પી. તથા સિવિલ હોસ્પિટલમાં આપવામાં આવે છે. તેની સામે દર્દીઓની સંખ્યા વધતાં કોર્પોરેશને અમદાવાદની કેટલીક હોસ્પિટલોને કોવિડ હોસ્પિટલનો દરજ્જો આપ્યો હતો. ત્યાં સુધી કે હોસ્પિટલમાં કોર્પોરેશન માટે 50 ટકા બેડ અનામત રાખવામાં આવી હતી. હોસ્પિટલોમાં કોર્પોરેશન તરફથી દર્દીઓ રિફર કરવામાં આવતા હતા.

દર્દીઓનો સંપૂર્ણ ખર્ચો કોર્પોરેશન દ્વારા ભોગવવામાં આવતો હતો. પરંતુ તાજેતરમાં એક આરટીઆઇમાં ઉત્તર ઝોનમાં 9 ખાનગી હોસ્પિટલો સાથે એમઓયુ કર્યાનું કબૂલ કર્યું છે. ત્યાં સુધી કે હોસ્પિટલોને 20 ઓગસ્ટ સુધી 6.40 કરોડ રૂપિયા ચુકવાયા હોવાનો પણ સ્વીકાર કર્યો છે. પરંતુ હોસ્પિટલોમાં કેટલાં દર્દીઓને મોકલવામાં આવ્યા હતા વગેરે વિગતો કોર્પોરેશન પાસે ઉપલબ્ધ નથી. જેના કારણે અનેક તર્ક વિતર્કો થવા લાગ્યા છે.

સામાજિક કાર્યકર યશ મકવાણાએ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશના ઉત્તર ઝોનની હદમાં કોરોનાની સારવાર આપતી કુલ કેટલી ખાનગી હોસ્પિટલને અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્રારા કોરોનાની સારવાર આપવા માટે માન્યતા આપી હતી. તેની યાદી તેમ હોસ્પિટલોમાં કેટલાં દર્દીઓએ સારવાર લીધી, તેમાંથી કેટલાં લોકોના મુત્યુ થયા અને કેટલાં સ્વસ્થ થયા તેની રેકર્ડ આધારિત માહીતી માંગી હતી.

 કોવીડ હોસ્પિટલમાં  દર્દીઓ સ્વખર્ચે સારવાર લેતા હતા કે કોર્પોરેશનના ખર્ચે તેની માહિતી તેમ દર્દીઓ પાછળ કોર્પોરેશને કેટલી રકમ ચુકવી તે પણ વિગતો આરટીઆઇ હેઠળ માંગી હતી. જેના જવાબમાં કોર્પોરેશને હોસ્પિટલની યાદી આપી છે.

ઉપરાંત ઉત્તર ઝોનની નવ ખાનગી કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલ  ને કોરોનાના દર્દીઓની સારવાર માટેના કુલ બિલના 80 ટકા પ્રમાણે રૂપિયા6,40,32612.59ની રકમ ચુકવી હોવાની માહીતી પુરી પાડી છે. પરંતુ કેટલાં દર્દીઓએ સારવાર લીધી તેની માહિતી કચેરી પાસે નહીં હોવાનું જણાવ્યું છે. એટલે સુધી કે વિગતો હોસ્પિટલ ખાતેથી મેળવવા જણાવ્યું છે. જેના કારણે ખાનગી કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલને આડેધડ રીતે બિલો ચૂકવાયા હોવાનો વિવાદ ઊભો થયો છે.

 

(9:44 am IST)