ગુજરાત
News of Wednesday, 29th August 2018

અમદાવાદમાં વરસાદી ઝાપટા જારી : વાતાવરણ ઠંડુગાર થયુ

દિવસ દરમિયાન નિયમિત ગાળામાં વરસાદઃ નીચાણવાળા વિસ્તારમાં લોકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો : ગંદકીનુ પ્રમાણ વધ્યુ : વહીવટી તંત્ર સામે પડકારો

અમદાવાદ, તા.૨૯: અમદાવાદ શહેરમાં છેલ્લા એક સપ્તાહથી મેઘરાજાની મહેર ચાલુ રહેતાં નગરજનોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. આજે શહેરમાં નિયમિત ગાળામાં છૂટાછવાયા વરસાદના ઝાપટાં ચાલુ રહેતાં વાતાવરણ ઠંડુગાર બન્યુ હતુ. શહેરમાં  વિવિધ વિસ્તારોમાં હળવાથી ભારે ઝાપટાં પડતાં વાતાવરણ ઠંડુ અને આહ્લાદક બની ગયું હતું. દરમ્યાન વરસાદી વાતાવરણ વચ્ચે શહેરના જીવરાજપાર્ક વિસ્તારમાં વધુ એક મોટો ભુવો પડતાં સ્થાનિક નાગરિકો ચિંતામાં મૂકાઇ ગયા છે.  આ સાથે જ શહેરમાં અત્યારસુધીમાં ૬૪થી વધુ ભુવા પડી ગયા છે અને દિન પ્રતિદિન તેનો આંક વધી રહ્યો હોઇ શહેરીજનોએ અમ્યુકો સત્તાવાળાઓ પરત્વે ઉગ્ર આક્રોશ વ્યકત કર્યો હતો અને કોઇ અનિચ્છનીય ઘટના ઘટે તે પહેલાં તાત્કાલિક ધોરણે ભુવાઓનું રીપરીંગ કામ કરવા માંગણી કરી હતી. અમદાવાદ શહેરમાં છેલ્લા એક અઠવાડિયાથી મેઘરાજાની સતત મહેર ચાલુ રહેતાં નગરજનોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. મોડી રાતથી  હળવાથી ભારે વરસાદના ઝાપટાં શહેરના વિવિધ વિસ્તારોમાં ચાલુ થયા હતા.  વરસાદના છૂટાછવાયા ઝાપટાંના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં સામાન્ય પાણી ભરાયા હતા. શહેરના સેટેલાઈટ, નવરંગપુરા, નારણપુરા, ગુરૂકુળ, થલતેજ, બોપલ, મેમનગર, નિકોલ, વસ્ત્રાપુર, શાહીબાગ, બાપુનગર, મકરબા, રાયપુર, દાણીલીમડા, કાલુપુર, જીવરાજપાર્ક, એસ.જી.હાઈવે, ઘુમા, વાડજ, સાબરમતી અને વસ્ત્રાલ સહિતના વિસ્તારમાં મેઘરાજાએ હળવાથી ભારે વરસાદ વરસાવ્યો હતો. શહેરમાં વરસાદી વાતાવરણ વચ્ચે શહેરના વિવિધ વિસ્તારોમાં ભુવા પડવાની, ખાડાઓ પડવાની અને રસ્તાઓના ધોવાણની વ્યાપક ફરિયાદો પણ ઉઠવા પામી હતી. શહેરના જીવરાજપાર્ક વિસ્તારમાં આજે વધુ એક મોટો ભુવો પડતાં સ્થાનિક નાગરિકો ચિંતાતુર બન્યા હતા કારણે કે, ભુવો એટલો મોટો હતો કે, કોઇ વાહન આખુ અંદર પડી જાય અને કોઇ અનિચ્છનીય ઘટના ઘટે તેટલો વ્યાપ ધરાવતો ભુવો પડયો હોઇ નાગરિકોએ તાત્કાલિક આ ભુવાના રીપેરીંગ માટે માંગણી કરી હતી. આ સાથે જ શહેરના વિવિધ વિસ્તારોમાં અત્યારસુધીમાં ૬૪થી વધુ ભુવાઓ પડી ચૂકયા છે તો, ખાડાઓ પડવાની અને રસ્તાઓ ધોવાણ થઇ ગયા હોવાની સંખ્યાબંધ ફરિયાદો છે પરંતુ હજુ સુધી અમ્યુકો સત્તાધીશોએ કોઇ અસરકારક કે પરિણામલક્ષી કામગીરી હાથ ધરી નથી. અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન ૨૯.૨ અને લઘુત્તમ તાપમાન ૨૪.૬ ડિગ્રી રહ્યું હતું. વરસાદી ઝાપટા જારી રહેવાની આગાહી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે.

(10:00 pm IST)