ગુજરાત
News of Wednesday, 29th August 2018

સારંગપુર : ઢોર પકડવા ગયેલી ટીમ અને પોલીસ ઉપર હુમલો

હુમલામાં બે પોલીસ કર્મચારીઓને ઇજા થઇ : વાતાવરણ તંગ બનતાં પોલીસે વધારાનો કાફલો બોલાવ્યો અને રખડતા ઢોરને ડબામાં પૂરવાની કામગીરી પાર પાડી

અમદાવાદ, તા.૨૯ : શહેરના સાંરગપુર દોલતખાના પાસે ગેરકાયદેસર વાડા ઉભા કરીને ગાયો બાંધનાર લોકો સામે કાર્યવાહી કરવા આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને પોલીસની ટીમ પહોંચી હતી. રસ્તે રઝળતી ગાયો પકડવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે કેટલાક સ્થાનિક માલધારી લોકો ત્યાં પહોંચ્યા હતા અને પોલીસ તેમ જ અમ્યુકોના અધિકારીઓ-કર્મચારીઓ સાથે ઘર્ષણ કર્યું હતું. વાત એટલી હદ સુધી વણસી કે, એક તબક્કે રોષે ભરાયેલા આ સ્થાનિક લોકોએ હાઇકોર્ટના નિર્દેશાનુસાર રખડતા ઢોરને પકડવાની કામગીરી કરી રહેલી પોલીસ અને અમ્યુકોની ટીમ પર રીતસરનો હુમલો કર્યો હતો, જેમાં બે પોલીસ કર્મચારીઓને ઇજા પહોંચતાં તેઓને વી.એસ.હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી. આ બનાવને પગલે સમગ વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી અને વાતાવરણ પણ તંગ બની ગયું હતું. શહેરના સાંરગપુર દોલતખાના પાસે ગેરકાયદેસર વાડા ઉભા કરીને ગાયો બાંધનાર લોકો સામે અને રખડતા ઢોરનો ત્રાસ માટે જવાબદાર તત્વો સામે કાર્યવાહી કરવા માટે અમ્યુકોની ટીમ આજે પોલીસના સુરક્ષા કાફલા સાથે ઉતરી હતી. રસ્તા પર રખડતા ઢોરો વિરૂધ્ધ કામગીરી ચાલી રહી હતી તે દરમ્યાન અચાનક કેટલાક સ્થાનિક માલધારી લોકો ત્યાં આવી પહોંચ્યા હતા અને અમ્યુકોના કર્મચારીઓ અને પોલીસ ટીમ સાથે ઘર્ષણ કરી કામગીરીનો સખત વિરોધ કર્યો હતો. અમ્યુકોના કર્મચારીઓ અને પોલીસે હાઇકોર્ટના હુકમનું પાલન કરાઇ રહ્યું હોઇ તેમાં કોઇ અંતરાય ઉભો નહી કરવા સ્પષ્ટ તાકીદ કરી હતી પરંતુ ઉશ્કેરાયેલા સ્થાનિક શખ્સોએ અમ્યુકોના કર્મચારીઓ અને પોલીસના જવાનો સાથે બબાલ ચાલુ રાખી હતી અને થોડીવારમાં તો, પોલીસ અને અમ્યુકો કર્મચારીઓને ત્યાંથી ભગાડવા માટે પથ્થરમારો શરૂ કરી દીધો હતો. સ્થાનિક માથાભારે શખ્સોએ પોલીસ પર પણ રીતસરનો હુમલો બોલી દીધો હતો, જેમાં બે પોલીસ કર્મચારીઓને ઇજા પહોંચી હતી. તેઓને તાત્કાલિક નજીકની વી.એસ.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ત્યાં દોડી આવ્યા હતા અને વધારાના કાફલાને ત્યાં બોલાવી લેવાયો હતો. પોલીસે બાદમાં અમ્યુકોની ટીમની મદદથી આ વિસ્તારના ગેરકાયદે દબાણો દૂર કર્યા હતા અને સાથે સાથે રખડતા ઢોરોને ડબામાં પૂર્યા હતા. બીજીબાજુ, પોલીસે હુમલો કરનાર આરોપી શખ્સો વિરૂધ્ધ જરૂરી ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. જો કે, આજની આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં વાતાવરણ ભારે તંગ બની ગયું હતું અને સ્થાનિકોમાં ભારે ચકચાર મચી ગઇ હતી.

(8:19 pm IST)