ગુજરાત
News of Wednesday, 29th August 2018

ઠાસરામાં અગાઉ પરિણીતાની છેડતી કરવાના ગુનાહમાં શખ્સને એક વર્ષની જેલની સજા

ઠાસરા: તાલુકાના સૂઈ ગામમાં સન ૨૦૦૯ માં પાણી ભરવા ગયેલી પરિણીતાનો હાથ પકડી છેડતી કર્યા બાદ ઘરના સભ્યોની મદદથી તેના પરિવાર પર હુમલો કરી ગડદાપાટુનો માર મારી ઈજા પહોંચાડવાના બનાવમાં ડાકોર કોર્ટે ચાર પૈકી એક આરોપીને તકશીરવાર ઠેરવીને એક વર્ષની સાદી કેદ તેમજ રૂ.૧૦૦૦ નો દંડ ફટકાર્યો છે. જ્યારે ત્રણને શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવ્યાં છે. 
આ અંગે મળતી માહિતી મુજબ ઠાસરા તાલુકાના સૂઈ ગામમાં રહેતી પરિણીતા ગત તા.૩૧/૫/૨૦૦૯ ના રોજ સવારે ૧૦ કલાકે પાણી ભરવા ગયા હતાં. તે વખતે ગામમાં રહેતો ૩૧ વર્ષીય ધર્મેશભાઈ પ્રવિણભાઈ પટેલ તેની પાસે આવ્યો હતો. અને પરિણીતાને જણાવ્યું હતુ કે તુ મારી સાથે વાત કેમ નથી કરતી. કહીને પરિણીતાનો હાથ પકડી લીધો હતો. અને તેની તરફ ખેંચી આબરૂ લેવાનો પ્રયત્ન કર્યો હતો. તે વખતે પરિણીતાએ બુમાબુમ કરી મુકતા પરિણીતાનો પતિ આવી ચઢ્યો હતો. જેથી ધર્મેશ પટેલ ત્યાંથી ભાગી છુટ્યો હતો. જો કે સાંજે તેના પરિવારના અશ્વિનભાઈ મોહનભાઈ પટેલ, રાજેશભાઈ મોહનભાઈ પટેલ અને પ્રવિણભાઈ મોહનભાઈ પટેલ સાથે આવી પરિણીતા તેમજ તેના પતિ પર હુમલો કર્યો હતો. જેમાં પરિણીતાના પતિને ઈજા થઈ હતી. ડાબા પગે ઈજાગ્રસ્ત બનેલા પરિણીતાના પતિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. આ બાબતે ડાકોર પોલીસમાં ચારેય સામે છેડતી તેમજ મારામારીની ફરીયાદ નોંધાઈ હતી. 
આ કેસ ડાકોર કોર્ટના જ્યુડિશીયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ પ્રમોદભાઈ ચીમનભાઈ રોહિત ની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ એચ. ડી. પટેલે રજુ કરેલા ૧૧ મૌખિક પુરાવા તેમજ ૩ દસ્તાવેજી પુરાવા ધ્યાનમાં રાખી ન્યાયાધીશે ઈપીકો કલમ ૩૫૪ એટલે કે છેડતીના ગુનામાં ધર્મેશભાઈ પ્રવિણભાઈ પટેલને કસુરવાર ઠેરવ્યાં હતાં. અને એક વર્ષની સાદી કેદ તથા રૂ.૧૦૦૦ નો દંડ. જો દંડ ના ભરે તો વધુ એક માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે અને બાકીના ત્રણ આરોપીને શંકાનો લાભ આપી છોડી મુક્યાં છે.

(5:17 pm IST)