ગુજરાત
News of Wednesday, 29th August 2018

ખેડા પોલીસે રસિકપુરા ચેક પોસ્ટ નજીકથી દાણના કોથલામ દારૂની હેરાફેરી કરતા ટ્રકની અટકાયત કરી

ખેડા:પોલીસે રસિકપુરા ચેક પોસ્ટ નજીકથી મધરાત્રે નાકાબંધી કરીને પશુ દાણના કોથળા નીચે સંતાડીને લઈ જવાતો ૨૧.૩૯ લાખ ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડીને ટ્રક ચાલકની ધરપકડ કરી વધુ તપાસ અર્થે રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ઘરી છે. 
પ્રાપ્ત વિગતો અનુસાર એલસીબી ખેડા પોલીસ ગઈકાલે રાત્રે નડિયાદથી ખેડા રોડ ઉપર પેટ્રોલીંગમાં નીકળી હતી. આ દરમિયાન માહિતી મળી હતી કે, ખેડા-ધોળકા રોડ ઉપર એક ટ્રકમાં વિદેશી દારૂનો મોટો જથ્થો પસાર થવાનો છે જેથી ખેડા-ધોળકા રોડ ઉપર આવેલી રસિકપુરા ચેક પોસ્ટ ઉપર આડાશ ઉભી કરી દઈ વોચ ગોઠવી દીધી હતી. દરમ્યાન ટ્રક નં. પીબી-૧૧ સીએમ ૦૭૦૯ની આવી ચઢતાં પોલીસે તેને ઉભી રાખી પોલીસે તપાસ કરતા પશુ આહારના દાણના કોથળાની ઓથા હેઠળ છુપાયેલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ ટ્રકમાંથી પશુ દાણની કોેથળા નં.૩૦૦ રૂપિયા૨,૯૫,૩૫૦ નીચે સંતાડેલ વિદેશી દારૂની બોટલ નં.૪૯૬૭ રૂપિયા ૨૦,૧૩,૦૮૦ તથા બીયર ટીન નં.૮૦૦ રૂપિયા ૧,૨૬,૦૦૦ નો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે ટ્રક ચાલકની અટક કરી પૂછપરછ કરતા સંજીવ કુમાર કિશોરીલાલ બાથી (રહે. પંજુ આણા, આલીવાલ, હિમાચલ પ્રદેશ) હોવાનું જણાવ્યું હતું. ટ્રક્ચાલકની અંગ જડતીમાંથી રૂપિયા ૧૨૫૦ રોકડા, મોબાઈલ નં.૨ કિંમત રૂપિયા ૧૦૦૦ તથા તાડપત્રી રૂપિયા ૨૦૦૦ તેમજ દોરડુ રૂપિયા ૨૦૦ કબજે કર્યા હતા. 
આ બનાવ અંગે એલસીબીની ફરિયાદ આધારે ખેડા ટાઉન પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(5:16 pm IST)