ગુજરાત
News of Wednesday, 29th August 2018

મુસ્લિમ યુવતિ સાથે લગ્ન બાદ યુવકને ભારે ત્રાસ!!

પરિવાર સાથે નાતો તોડી મુસ્લિમ ધર્મ અંગીકાર કરેલ : પોલીસ તપાસ માટે અરજી : સાસરિયા પક્ષના લોકોએ ઘરમાંથી કાઢી મૂકયો : પત્નિ બીજા સાથે ચેટીંગ કરે છે : માઠી દશા

રાજકોટ તા. ૨૯ : અમદાવાદના દરિયાપુરમાં વ્યવસાય કરતા હિન્દુ યુવકને મુસ્લિમ યુવતી સાથે પ્રેમ થઇ જતા બંનેએ પ્રેમલગ્ન કરી લીધા હતા. જેમાં યુવકે મુસ્લિમ ધર્મ અંગિકાર કર્યો હતો. જોકે લગ્ન બાદ આ ુમુસ્લિમ યુવતીના પરિવારજનોએ યુવકને ત્રાસ આપવાનું શરૂ કરીને ઘરમાંથી કાઢી મુકયો હતો. આ અંગે યુવકે પોલીસ કમિશ્નર કચેરીમાં અરજી કરીને તપાસની માંગણી કરી છે.

આ બનાવની વિગત મુજબ દરિયાપુર વિસ્તારમાં જીન્સના પેન્ટ બનાવવાનો વ્યવસાય કરતા અશ્વિન સત્તનારાયનણ બાબરીને ૨૦૦૬માં તેને ત્યાં કામ કરતી સાહીન મન્સુરી નામની યુવતી સાથે પ્રેમ થઇ ગયો હતો. સાહીનના પ્રેમમાં પાગલ અશ્વિને લગ્ન કરવા મુસ્લિમ ધર્મ અંગિકાર કર્યો હતો અને પોતાનું નામ મોહમ્મદ અલીફ મોહીનુદ્દીન મન્સુરી રાખ્યું હતું. જેને કારણે અશ્વિનના પરિવારજનોએ તેની સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા હતા. બાદમાં ૨૦૦૭માં અશ્વિને સાહીન સાથે મુસ્લિમ શરિયત હેઠળ લગ્ન કર્યા હતા.

લગ્ન બાદ તેમને પરી નામની દિકરી જન્મી હતી. દિકરીના જન્મ બાદ સાહીન અને તેના પરિવારજનોનું વર્તન બદલાઇ ગયું હતું અને અશ્વિનને શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. ધંધા દરમિયાન અશ્વિને ઘણો માલ સાસરીયાઓને આપ્યો હતો. જેના પૈસા તેમણે અશ્વિનને આપ્યા ન હતા. જેને કારણે તેને ધંધામાં મોટું નુકસાન થયું હતું.

બીજી તરફ સાહીનના પરિવારજનો અશ્વિનને તલાક આપી દેવા દબાણ કરતા હતા. અશ્વિને કરેલી અરજી મુજબ 'સાહીન' અન્ય કોઇ વ્યકિત સાથે મોબાઇલ પર ચેટીંગ કરતી હતી. આથી પોતાની પુત્રી પરીનું ભવિષ્ય ન બગડે તે માટે પરીની કસ્ટડી માટે પણ માંગણી કરી હતી. આ અંગે અશ્વિને પોલીસ કમિશ્નર ઉપરાંત રાજ્યના પોલીસ વડા, મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને માનવ અધિકાર આયોગને પણ અરજી મોકલીને તપાસની માંગણી કરી છે.

(4:13 pm IST)